અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલી જાણીતી સરસ્વતી વિદ્યામંદિરમાં ગતરોજ અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શાળાના નર્સરી વિભાગના વર્ગખંડમાં લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, આ ઘટના શાળા છૂટ્યા બાદ બની હોવાથી એક મોટી હોનારત ટળી હતી અને નિર્દોષ ભૂલકાઓનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની વિગત મુજબ, જ્યારે નર્સરી વિભાગમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા ત્યારે સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે, કટોકટીના સમયે શાળાની લાખો રૂપિયાની ‘ફાયર હાઈડ્રેશન સિસ્ટમ’ નિષ્ફળ સાબિત થઈ હતી. સિસ્ટમની મોટર બંધ હાલતમાં હોવાથી સમયસર પાણીનો છંટકાવ થઈ શક્યો નહોતો, જેના કારણે વહીવટી તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા છે.
અંતે, સ્થાનિક રહિવાસીઓએ માનવ સાંકળ રચી, નજીકની પાણીની ટાંકીઓમાંથી પાણી મેળવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકોની સતર્કતાને કારણે આગ અન્ય વર્ગખંડો સુધી પ્રસરે તે પહેલા જ બુઝાવી દેવામાં આવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શાળામાં ફાયર સેફ્ટીના સાધનોની જાળવણી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો સર્જાયા છે.
