સુરતના દરિયાકાંઠે યોજાયેલી 45મી મહાજન સ્મારક સમુદ્ર સઢવાળી હોડી સ્પર્ધા દરમિયાન મધદરિયે થ્રિલિંગ ડ્રામા સર્જાયો હતો, જેમાં ત્રણ નૌકાઓ પલટી જતાં ક્ષણિક અફરાતફરી મચી ગઇ હતી. જોકે, નાવિકોની અદમ્ય હિંમત અને સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ નાવિકોનો આબાદ બચાવ થયો હતો.
ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સુરત જિલ્લા પ્રશાસન દ્વારા આયોજિત આ 21 કિલોમીટર લાંબી ચેલેન્જિંગ સ્પર્ધા હજીરા રો-રો ફેરીથી મગદલ્લા પોર્ટ સુધીની હતી, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધા ચરમસીમા પર હતી ત્યારે અચાનક પવનનો વેગ પ્રચંડ બનતા ત્રણ હોડીઓ અચાનક પલટી ગઈ હતી. આ દ્રશ્ય જોઇને કિનારે ઉમટેલા રમતપ્રેમીઓ અને આયોજકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

સદનસીબે, હોડીમાં સવાર તમામ નાવિકો કુશળ તરવૈયા હોવાથી તેમણે હિંમત દાખવી અને જાતે જ પાણીમાંથી સલામત રીતે બહાર નીકળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. દરિયાઈ મોજાં અને પવન સાથેની આ જોખમી રેસ અનુભવી નાવિકોની કોઠાસૂઝથી જાનહાનિ વગર સંપન્ન થઈ હતી. અંતે, મગદલ્લા ખાતે વિજેતા ટીમોને અનુક્રમે રૂ. 51 હજાર, 35 હજાર અને 25 હજારના રોકડ પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
