SPORTS : ભારતને ઓલિમ્પિક મેડલ જીતાડનાર સાઈના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી, કહ્યું – ‘શરીર સાથ નથી આપતું’

0
16
meetarticle

ભારતીય બેડમિન્ટન જગતના એક સુવર્ણ અધ્યાયનો અંત આવ્યો છે. દેશને બેડમિન્ટનમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ અપાવનાર સ્ટાર શટલર સાઈના નેહવાલે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. એક પોડકાસ્ટ દરમિયાન સાઈનાએ પુષ્ટિ કરી કે તે હવે પ્રોફેશનલ બેડમિન્ટન કોર્ટમાં પરત ફરશે નહીં.

ઈજા બની નિવૃત્તિનું કારણ

છેલ્લા બે વર્ષથી સાઈના ઘૂંટણની ગંભીર બીમારી(Chronic knee condition) સામે ઝઝૂમી રહી હતી. તેણે જણાવ્યું કે, ‘મારા ઘૂંટણની કાર્ટિલેજ(ગાદી) પૂરેપૂરી ઘસાઈ ગઈ છે અને મને આર્થરાઈટિસ(ગઠિયો વા) છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રમત માટે જરૂરી 8-9 કલાકની સખત ટ્રેનિંગ કરવી અશક્ય બની ગઈ હતી. મારા ઘૂંટણ માત્ર 1-2 કલાકમાં જ જવાબ આપી દેતા હતા અને તેમાં સોજો આવી જતો હતો.’

પોતાની શરતો પર વિદાય

સાઈનાએ છેલ્લી સ્પર્ધાત્મક મેચ 2023માં સિંગાપોર ઓપનમાં રમી હતી. નિવૃત્તિની જાહેરાત અંગે તેણે કહ્યું, ‘મેં બે વર્ષ પહેલા જ રમવાનું બંધ કરી દીધું હતું. મેં રમતની શરૂઆત મારી શરતો પર કરી હતી અને વિદાય પણ મારી શરતો પર જ લીધી છે. મને નિવૃત્તિની કોઈ મોટી જાહેરાત કરવાની જરૂર ન લાગી, કારણ કે મારી ગેરહાજરીથી લોકોને ધીમે-ધીમે સમજાય જ ગયું હતું કે હવે હું રમી રહી નથી.’

સાઈના નેહવાલ: એક નજર ઐતિહાસિક સિદ્ધિઓ પર

– ઓલિમ્પિક મેડલ: 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો.

– વર્લ્ડ ચેમ્પિયનશિપ: 2015માં સિલ્વર અને 2017માં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો.

– કોમનવેલ્થ ગેમ્સ: 2018માં ગોલ્ડ મેડલ જીતી શાનદાર વાપસી કરી હતી.

– એશિયન ગેમ્સ: 2018માં વિમેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

– વર્લ્ડ નંબર-1: તે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા શટલર હતી.

2016ના રિયો ઓલિમ્પિક દરમિયાન લાગેલી ગંભીર ઈજા બાદ સાઈનાએ અદભૂત લડત આપી હતી, પરંતુ વારંવાર ઉભરતી ઘૂંટણની સમસ્યાઓએ આખરે તેને રમતને અલવિદા કહેવા મજબૂર કરી દીધી છે. ભારત સરકારે તેની સિદ્ધિઓ બદલ તેને પદ્મ ભૂષણ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન જેવા સર્વોચ્ચ એવોર્ડ્સથી સન્માનિત કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here