વડોદરા જિલ્લાની એક માત્ર પાદરા તાલુકામાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયનો શિક્ષક આજે ભર બપોરે ચિક્કાર દારૃ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવતા તેને પોલીસે ઝડપી પાડી લોકઅપમાં પૂરી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના સાધી ગામમાં જવાહર નવોદય સ્કૂલ આવેલી છે. કેન્દ્ર સરકાર સંચાલિત આ સ્કૂલના આચાર્યએ પાદરા પોલીસમાં આજે બપોરે ફોન કરીને જણાવેલ કે સ્કૂલના એક શિક્ષક દારૃ પીધેલી હાલતમાં ધમાલ કરે છે. સ્કૂલ દ્વારા આ મેસેજના પગલે પાદરા પોલીસ સ્કૂલમાં પહોંચી ગઇ હતી. સ્કૂલના સ્ટાફરૃમમાં તે શિક્ષક લવારી કરતો જણાયો હતો.
પોલીસે તેની પૂછપરછ કરતાં પોતાનું નામ થોથડાતી જીભે હિન્દી ભાષામાં જાગેશ્વર દશરથજી ચૌરે (રહે.હાલ જવાહર નવોદય કેમ્પસ, સાધી, મૂળ બડગામ, તા.લાંજી, જિલ્લો બાલાઘટ, મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. ભરચક નશો કરેલા શિક્ષકને ઝડપી પાડી તેને પાદરા પોલીસ સ્ટેશનમાં લવાયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા ચાર માસથી તે સાધી ખાતેની સ્કૂલમાં છે. આ અંગે પોલીસે કહ્યું હતું કે અગાઉ તે મહારાષ્ટ્રની સ્કૂલમાં ફરજ બજાવતો હતો પરંતુ સજાના ભાગરૃપે તેની બદલી સાધી ખાતે કરવામાં આવી હતી. પોલીસે શિક્ષક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

