ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાંડા ગામે મિત્રતાના સંબંધને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચાર મિત્રોએ મળીને ૨૬ વર્ષીય યુવાનની નિર્મમ હત્યા કરી નાખી હતી. આમોદ પોલીસે આ ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી ચારેય હત્યારા મિત્રોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

ઘટનાની વિગત મુજબ, ગત ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન દાંડા ગામના વિષ્ણુભાઈ વસાવા અને તેમના મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ, ભૂમિત, અલ્પેશ અને કનુ વચ્ચે જમવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો હતો કે ચારેય મિત્રોએ આવેશમાં આવી વિષ્ણુને માતર ગામના બ્રિજ પાસે તેમજ સાપા અને ઓછણ ગામ તરફના રસ્તાઓ પર નિર્દયતાથી ફટકાર્યો હતો. માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચતા વિષ્ણુ બેભાન થઈ ગયો હતો. હેવાન બનેલા મિત્રો બેભાન વિષ્ણુને તેના ઘરે મૂકીને ફરાર થઈ ગયા હતા. સારવાર દરમિયાન ૧૭ જાન્યુઆરીએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે યુવાને અંતિમ શ્વાસ લેતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયું હોવાનું ખુલતા જ આમોદ પોલીસે એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા અને ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઈમ રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પૂર્ણ કરી હતી. એક સામાન્ય વિવાદમાં યુવાને જીવ ગુમાવતા અને તેના જ મિત્રો જેલમાં જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
