સંસ્કારનગરી વડોદરામાં માર્ગ અકસ્માતની વણઝાર વચ્ચે વધુ એક માસૂમનો જીવ ગયો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે પાણી ભરવા આવેલા ફાયર બ્રિગેડના ટેન્કરે ૧૦ વર્ષીય બાળક દીપકને અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શ્રમજીવી પરિવારના આશાસ્પદ પુત્રના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં રોષ અને ગમગીની વ્યાપી ગઈ હતી.

મૃતક બાળકની માતા ગીતાબેને હૈયાફાટ રુદન સાથે આક્ષેપ કર્યો હતો કે, તેમનો પુત્ર રસ્તા પર શાંતિથી ઉભો હતો ત્યારે જ બેફામ આવેલા ટેન્કર ચાલકે તેના પર ગાડી ચઢાવી દીધી હતી. પરિવારજનોએ બૂમાબૂમ કરી હોવા છતાં ચાલકે ટેન્કર ન થોભવતા માસૂમ દીપક પૈડાં નીચે આવી ગયો હતો. સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહ પાસે માતા-પિતા અને નાના ભાઈ-બહેનોના આક્રંદે પથ્થર દિલના માનવીને પણ હચમચાવી દીધા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી ફાયર ટેન્કરના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
