વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી બુલેટ ટ્રેન અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યા છે. રેલવે ટ્રેકના નિર્માણ બાદ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે હજારો વીઘા જમીનમાં પાણી ભરાઈ રહેતા ખેતીના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. તંત્રની ઉદાસીનતા સામે લાલઘૂમ થયેલા ત્રાલસા, ત્રાલસી, દયાદરા અને કંથારીયા સહિતના અનેક ગામોના ખેડૂતોએ ગતરોજ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલન છેડવાની ગર્જના કરી છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે બુલેટ ટ્રેનના પિલર્સ પરથી વરસાદી પાણીના નિકાલ માટે જે પીવીસી પાઇપો મુકાયા છે, તે સીધા ખેતરોમાં જ ખુલે છે, જેના કારણે ચોમાસામાં ખેતરો તળાવમાં ફેરવાઈ જાય છે. ફ્રેઇટ કોરિડોરમાં પણ પાણીના માર્ગો સાંકડા હોવાથી કુદરતી વહેણ અવરોધાય છે. વિકાસના પ્રોજેક્ટ સામે વિરોધ ન હોવાનું જણાવી ખેડૂતોએ માત્ર એટલી જ માંગ કરી છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમની આજીવિકા છીનવાય નહીં. અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહેતા હવે ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે.
