નડિયાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે. ત્યારે બુધવારે સવારે નડિયાદ સરદાર સ્ટેચ્યુથી બસ સ્ટેશન તરફ જતા રોડ પર એક એસટી બસમાં યાંત્રિક ખામી સર્જાતા ખોટકાઇ ગઈ હતી. જેથી આ રોડ ઉપર ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

નડિયાદ શહેરના હાર્દ સમા સ્ટેશન રોડ નાના મોટા વાહનોની અવરજવરથી સતત ધમધમતો રહે છે. તેમજ સવારના સમયે સ્ટેશન રોડ, સંતરામ રોડ સહિતના રસ્તા ઉપર વાહનોથી ઉભરાયેલા જોવા મળે છે. ત્યારે બુધવારે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ સરદાર સ્ટેચ્યુથી બસ સ્ટેશન તરફ જતી આણંદ ડેપોની એક એસટી બસમાં અચાનક યાંત્રિક ખામી સર્જાઇ હતી. જેના કારણે વન વે રોડ વચ્ચોવચ એસટી બસ ખોટકાઈ ગઈ હતી. જેથી રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ, ઘોડિયા બજાર,ડભાણ ભાગોલ રોડ અને મહાનગરપાલિકા તરફ જતા રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. ટ્રાફિક ચક્કાજામ થવા છતા નજીકમાં જ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ચોકી હોવા છતાં એક પણ પોલીસ કર્મચારી જોવા મળ્યો ન હતો. સવારના સમયે સ્ટેશન રોડ ઉપર ખોટકાઈ ગયેલી એસટી બસના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને અડધા કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક ચક્કાજામ રહેવા પામ્યો હતો.

