અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લોરેન્સવિલેમાં શુક્રવારે વહેલી સવારે એક કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં 4 ભારતીય મૂળના લોકોના મોત નિપજ્યા છે. જેમાં એક તો હુમલાખોરની પત્ની જ હોવાનું બહાર આવ્યું છે. ગ્વિનેટ કાઉન્ટી પોલીસે જણાવ્યું કે, આ ઘટના દરમિયાન ઘરમાં હાજર 7, 10 અને 12 વર્ષની વયના ત્રણ બાળકોએ પોતાનો જીવ બચાવવા માટે કબાટમાં છુપાવું પડ્યું હતું. તેમાંથી 12 વર્ષના બાળકે હિંમત કરીને 911(ઇમરજન્સી સેવા) પર કૉલ કરીને પોલીસને જાણ કરી હતી, જેના કારણે પોલીસ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી શકી હતી. સદનસીબે ત્રણેય બાળકો સુરક્ષિત છે અને હાલ તેમને પરિવારના અન્ય સભ્યની સંભાળમાં રાખવામાં આવ્યા છે.
પોલીસે આ હત્યાકાંડના આરોપી તરીકે 51 વર્ષીય વિજય કુમારની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે વિજય કુમાર અને તેની પત્ની મીનુ ડોગરા(43 વર્ષ) વચ્ચે એટલાન્ટામાં દલીલ થઈ હતી, ત્યારબાદ તેઓ તેમના 12 વર્ષના બાળક સાથે લોરેન્સવિલેમાં સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા. ત્યાં ઝઘડો વધતા વિજય કુમારે તેની પત્ની અને ત્રણ સંબંધીઓ- ગૌરવ કુમાર(33 વર્ષ), નિધિ ચંદર(37 વર્ષ) અને હરીશ ચંદર(38 વર્ષ)ની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ કે-9 (પોલીસ શ્વાન)ની મદદથી તેને નજીકની ઝાડીઓમાંથી પકડી લેવામાં આવ્યો હતો. આરોપી સામે હત્યા અને બાળકો પ્રત્યે ક્રૂરતાના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
એટલાન્ટામાં સ્થિત ભારતીય દૂતાવાસે(Consulate General of India) આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને પુષ્ટિ કરી છે કે મૃતકોમાં ભારતીય નાગરિક પણ સામેલ છે. મિશને પીડિત પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. લોરેન્સવિલેના શાંત વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ પણ ચોંકી ગયા છે. પોલીસ હજુ એ તપાસ કરી રહી છે કે કયા વિવાદને કારણે આરોપીએ આટલું ભયાનક પગલું ભર્યું.
