લોકમાતા નર્મદાના પટમાં રેતી માફિયાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભલે સાંસદ મનસુખ વસાવા અનેકવાર રેતી ખનન સામે અવાજ ઉઠાવી ચૂક્યા હોય, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિ અત્યંત ગંભીર છે. નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે રેતી ખનન માટે નદીના વહેણને રોકીને વચ્ચે જ ગેરકાયદે ‘પુલ’ (કોઝ-વે જેવો રસ્તો) બનાવી દેવામાં આવ્યો છે, જે રેતી ચોરીનો જીવતો જાગતો પુરાવો છે.સામાન્ય રીતે નદીના પ્રવાહ સાથે છેડછાડ કરવી એ ગુનો છે, તેમ છતાં પોઈચા પુલ નીચે ભારે મશીનરી લઈ જવા માટે રેતી માફિયાઓએ નદીનું પાણી રોકી દીધું છે. રેતી ભરેલા ટ્રકો આસાનીથી અવરજવર કરી શકે તે માટે નદીની વચ્ચે જ કાચો પુલ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિ સ્પષ્ટપણે દર્શાવે છે કે માફિયાઓને તંત્ર કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

નર્મદા નદી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પોઈચા અને આસપાસના વિસ્તારોમાં હજારો લોકો સ્નાન માટે આવે છે, પરંતુ મશીનો દ્વારા આડેધડ ખોદકામ કરવાથી પાણીની નીચે ઊંડા ખાડા સર્જાય છે. સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓ આ ખાડાઓનો અંદાજ મેળવી શકતા નથી અને ડૂબી જવાની દુ:ખદ ઘટનાઓ બને છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી દુર્ઘટનાઓ કુદરતી નથી, પણ રેતી માફિયાઓએ સર્જેલી માનવસર્જિત આપત્તિ છે.
સાંસદ મનસુખ વસાવાએ અનેકવાર મુખ્યમંત્રી અને ખાણ-ખનિજ વિભાગને પત્ર લખીને તેમજ જાહેરમાં આકરા પ્રહારો કરીને રેતી ખનન રોકવા માંગ કરી છે. છતાં, પોઈચા જેવા સંવેદનશીલ વિસ્તારમાં પુલ નીચે જ આ પ્રવૃત્તિ ચાલતી હોવાથી રાજ્ય સરકારની મંજુરી કે તંત્રની મિલીભગત સામે સવાલો ઉઠી રહ્યા છે.
