ગાંધીનગર ખાતે યોજાનાર ૧૬માં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની રાજ્યસ્તરીય ઉજવણીમાં હાંસોટના મામલતદાર રાજન વસાવાને તેમની પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવશે. ૧૫૪-અંકલેશ્વર મતવિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે “મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૬” ને અત્યંત સચોટ અને પારદર્શક બનાવવામાં આપેલા યોગદાનને ધ્યાને રાખી મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે.

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. લોકશાહીના પર્વને મજબૂત કરવા માટે વહીવટી ક્ષેત્રે કરેલા ભગીરથ પ્રયાસો બદલ રાજ્ય સ્તરે બહુમાન મેળવનાર રાજન વસાવાની આ સિદ્ધિથી હાંસોટ અને અંકલેશ્વર પંથકના વહીવટી આલમમાં ગૌરવ અને આનંદની લાગણી પ્રવર્તી રહી છે.
