અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) અમદાવાદ સહિત આખુ ગુજરાત (24 મી જાન્યુઆરી) સાંજથી જાણે કે શિતલહેરમાં સપડાયું હોય તેવી કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 5.3 ડિગ્રી, વડોદરામાં 5 ડિગ્રી અને રાજકોટમાં 8.4 ડિગ્રી ઘટી જતા શહેરીજનો રીતસરના ઠુંઠવાઈ ગયા હતા. હાડ ધ્રુજાવતી ઠંડીમાં આખા ગુજરાતનું જનજીવન પ્રભાવિત થયું હતું. સાંજ ઢળતા જ વાતાવરણમાં વધી ગયેલી ઠંડકના કારણે બજારોમાં રીતસર સન્નાટો છવાઈ ગયો હતો. જ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોના મોડી રાત સુધી ધમધમતા માર્ગો રાત્રે 10-11 વાગતા જ સૂમસામ બની ગયા હતા.

સૂસવાટા મારતા ઠંડા પવનોથી જનજીવન પ્રભાવિત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ પહેલા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. એક તરફ લઘુતમ તાપમાનનો પારો ઉપર ચઢતા વાતાવરણમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી. બીજી તરફ આકાશમાં છવાયેલા વાદળો વચ્ચે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાનમાં હવામાન ખાતાએ એકાદ બે દિવસમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની અને તાપમાન 2થી 3ડિગ્રી નીચે ઉતરવાની આગાહી કરી હતી. પરંતુ હવામાન ખાતાની આગાહીથી વિપરીત શુક્રવારે સાંજથી આખા ગુજરાતમાં કોલ્ડવેવ ફરી વળતા મોટાભાગના શહેરોમાં તાપમાનમાં 5થી 7 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. સૂસવાટા મારતા ઠંડા પવનોથી લોકોની રોજીંદી જીવન શૈલી ખોરવાઈ ગઈ હતી. સાંજ ઢળતા લોકો પોતાના ઘરમાં પૂરાઈ ગયા હતા. વાતાવરણમાં વ્યાપેલી તીવ્ર ઠંડીની અસર શનિવારે (24મી જાન્યુઆરી) આખો દિવસ વર્તાઈ હતી. ભરબપોરે લોકોએ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી.
હવામાન ખાતાની આગાહી, હજી વધારે ઠંડી માટે લોકો તૈયાર રહે
ગુજરાતમાં હાલમાં વ્યાપેલી શિતલહેર આગામી ત્રણેક દિવસ સુધી યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનનો પારો ધીમે ધીમે 2થી 3 ડિગ્રી વધશે, ત્યાર બાદના 24 કલાકમાં ફરી વખત તાપમાન 3થી 5 ડિગ્રી ઘટી જશે. એટલે કે આગામી દિવસોમાં હજી વધારે તીવ્ર ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.
અચાનક ઠંડી વધવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્નોફોલ
ગુજરાતમાં અચાનક જ ઠંડી વધવાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સ્નોફોલ છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૂસવાટા મારતા પવન ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ સ્નોફોલના કારણે ઠંડુ થયેલું વાતાવરણ પવનના કારણે વધારે તીવ્ર ઠંડુ થઈ ગયું છે.

