મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાન્ડુ હાઈવે પર વોચ ગોઠવીને વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસને ચકમો આપવા માટે બૂટલેગરોએ અર્ટિગા કારમાં ડ્રાઈવર અને પેસેન્જર સીટની નીચે લોખંડના ખાસ ગુપ્ત ખાના બનાવ્યા હતા. આ ખાનાઓમાં અત્યંત ચાલાકીપૂર્વક દારૂની બોટલો છુપાવવામાં આવી હતી. જોકે, LCBની ટીમે બારીકાઈથી તપાસ કરતા કારમાંથી કુલ 1,130 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂ રાજસ્થાનથી પાલનપુર થઈ મહેસાણા તરફ લાવવામાં આવી રહ્યો હતો.

ખાખીની બાજ નજર
આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાયેલી લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂ. 7.34 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલહવાલે કરવામાં આવ્યા છે. મહેસાણા પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનમાં કોણે આપ્યો હતો અને મહેસાણામાં તે કોને સપ્લાય કરવાનો હતો. હાઈવે પર પોલીસના આ સપાટાથી બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

