અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓ અને ફેડરલ એજન્ટોની કાર્યવાહી ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. હાલમાં જ અમેરિકાના મિનેસોટા રાજ્યની રાજધાની મિનીઆપોલિસમાં એક 51 વર્ષીય વ્યક્તિનું ફેડરલ એજન્ટોના હાથે ગોળી વાગવાથી મોત થયું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાને પગલે રાજ્યના ગવર્નર ટિમ વોલ્ઝ અને કેન્દ્ર સરકાર વચ્ચે ગંભીર ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. ગવર્નર વોલ્ઝે આ ઘટનાને અત્યંત ઘૃણાસ્પદ ગણાવતા ડોનાલ્ડ ટ્રમ્પ પાસે માંગ કરી છે કે રાજ્યમાં તૈનાત હજારો અપ્રશિક્ષિત અને હિંસક ફેડરલ એજન્ટોને તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને આ ઓપરેશન બંધ કરવામાં આવે.
મુખ્ય વિગતો અને વિરોધ
આ ઘટના બાદ સુરક્ષાના કારણોસર સ્થાનિક પોલીસ અને પ્રશાસને લોકોને તે વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. જોકે, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(DHS)એ દાવો કર્યો છે કે મૃતક વ્યક્તિ પાસે હથિયાર અને કારતૂસ હતા.આ અગાઉ 7 જાન્યુઆરીના રોજ પણ રેની ગુડ નામની મહિલાનું એજન્ટોના હાથે મોત થયું હતું, જે ત્રણ બાળકોની માતા હતી. તે સમયે પણ પ્રશાસને સ્વબચાવમાં ગોળી ચલાવી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ લોકોમાં આ એજન્ટોની કાર્યશૈલીને લઈને ભારે આક્રોશ છે.
સોશિયલ મીડિયા પર ઉગ્ર આક્રોશ
આ ઘટના બાદ મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે માંગ કરી છે કે રાજ્યમાં તૈનાત કરવામાં આવેલા હિંસક અને બિનઅનુભવી ફેડરલ અધિકારીઓને તાત્કાલિક અસરથી પાછા બોલાવવામાં આવે. ગવર્નરના મતે, આ પ્રકારના અપ્રશિક્ષિત એજન્ટોની હાજરી સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે મોટો ખતરો છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં નેટીઝન્સ ફેડરલ એજન્ટોની આકરી ટીકા કરી રહ્યા છે અને તેમને ‘કાયર’ ગણાવીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.

