વિરમગામ-માંડલ-દેત્રોજમાં પંથકમાં યુજીવીસીએલના એલ્યુમિનિય વાયર ચોરતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપી ઝડપાયા છે. પોલીસે રૂ.૭.૮૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓએ પુછપરછમાં ૯થી વધુ ગુનાઓની કબૂલાત કરી હતી.

વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા વિસ્તારમાં યુજીવીસીએલની વીજ લાઈનોમાંથી એલ્યુમિનિયમ વાયર ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને અમદાવાદ ગ્રામ્ય એલસીબી વિરમગામ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે વિરમગામના મેલજ ગામથી કલ્યાણપુરા જતા રોડ પર કેનાલની પાળ પાસે દરોડો પાડી બે બોલેરો પિકઅપ વાહનમાં વાયરની અદલાબદલી કરતા (૧) ભવાનસિંહ ઉર્ફે સુરેશ સિંહ રાજપુત (રહે.ચંદનપુર ગામ, તા.કડી, મૂળ રહે. રાજસ્થાન), (૨) ભરત ગોપાલભાઈ શર્મા (રહે. થોળ, તા.કડી, મૂળ રહે.રાજસ્થાન), (૩) કાલુલાલ બકતૂરભા ગુજર (રહે.કોલવડા ગામ, જિ.ગાંધીનગર, મૂળ રહે. રાજસ્થાન), (૪) સુરેશ ચંદ્ર સૂરજમલ ગુજ્જર (રહે. રાચરડા, શીલજ, મૂળ રહે. રાજસ્થાન)ને પકડી પાડવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ૧,૦૦૦ કિલો ચોરાયેલા એલ્યુમિનિયમ વાયર (રૂ.૨,૨૦,૦૦૦), પિકઅપ વાહન (રૂ.૫,૦૦,૦૦૦), ૮ મોબાઈલ (રૂ.૬૧,૫૦૦) તેમજ વાયર કાપવાના સાધનો (રૂ.૫,૨૨૦) મળી કુલ રૂ.૭,૮૬,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓએ અમદાવાદ જિલ્લાના કુડાદ, રામપુરા, મેલા, સરસાવડી, દાલોદ, રીબડી અને ભોજવા સહિત કુલ ૧૦થી વધુ સ્થળોએ રાત્રિના સમયે વીજ વાયર ચોરી કર્યાની કબૂલાત આપી છે.
પકડાયેલા ભવાનસિંહ ઉર્ફે સુરેશસિંહ રાજપુત અને ભરત ગોપાલભાઈ શર્મા સામે અગાઉથી ૨૩ જેટલા ગુના નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ કેસમાં ફરાર દીપુ શર્મા, ગૌતમ, રાહુલ અને ઉદયને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

