બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળની કારમા પરાજય બાદ સંગઠન અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેજસ્વી યાદવને પક્ષના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ છે. પટનામાં રાષ્ટ્રીય જનતા દળની કાર્યકારિણીની બેઠક યોજાઈ. આ બેઠકમાં લાલુ યાદવ, તેમના પત્ની રાબડી દેવી, તેમના પુત્રી મીસા ભારતી તથા પક્ષના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

લાલુ યાદવે તેમના પુત્ર તેજસ્વીને સોંપી પક્ષની કમાન
કાર્યકારિણીની બેઠકમાં તેજસ્વી યાદવને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની સત્તાવાર નિયુક્તિ કરાઈ. ભોલા યાદવે આ અંગે પ્રસ્તાવ મૂક્યો અને લાલુ યાદવના નિર્દેશ પર અન્ય સભ્યોએ હાથ ઊંચો કરી તેજસ્વીને સમર્થન જાહેર કર્યું. લાલુ યાદવના આરોગ્યને જોતાં પહેલીવાર તેજસ્વીને આ પદ આપવામાં આવ્યું છે. RJDના નેતાઓનું માનવું છે કે હવે તેજસ્વી જ પક્ષનું ભવિષ્ય છે. એવામાં સર્વસંમતિથી તેમને કમાન સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય જનતા દળે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે પક્ષમાં હવે નવા યુગની શરૂઆત થઈ રહી છે. અત્યાર સુધી લાલુ યાદવ જ હતા RJDના સર્વેસર્વા
નોંધનીય છે કે ગયા વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનનો ભવ્ય વિજય થયો. કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનના પરાજય બાદથી જ નેતૃત્વ પરિવર્તનને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ હતી. જે બાદ હવે પિતાને બદલે પુત્રને તમામ સત્તા સોંપવામાં આવી છે. વર્ષ 1997માં લાલુ યાદવે જનતા દળથી છૂટા થઈને રાષ્ટ્રીય જનતા દળની સ્થાપના કરી હતી. ત્યારથી જ તેઓ પક્ષના સર્વેસર્વા હતા.
આ મામલે જનતા દળ યુનાઈટેડના નેતા નીરજ કુમારે આ મામલે કટાક્ષ કરતાં કહ્યું છે કે, RJD એક જ પરિવારનો પક્ષ છે અને હવે પરિવારના જ એક સભ્યને કમાન સોંપાઈ છે. તેજસ્વી પર 22 કેસ ચાલી રહ્યા છે. એવામાં તેમને અધ્યક્ષ બનાવવા એ તો દુર્ભાગ્યની વાત કહેવાય!

