મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામથી દુધાળા નં.૨ સુધીનો રસ્તો લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. ચૂંટાયેલા પ્રતતિનિધિઓની ઈચ્છાશકિતના અભાવે મહુવા પંથકમાં અગત્યતા ધરાવતા આ માર્ગની દુર્દશા દિન પ્રતિદિન વધુ ને વધુ ખખડી રહી હોય ગ્રામજનો આંદોલનના મૂડમાં આવી ગયા છે.

આજથી વર્ષો પૂર્વે જિલ્લા તંત્ર દ્વારા મોટા ખુટવડાથી દુધાળાનો માર્ગ બનાવાયો હતો જેની હાલત હાલ અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ રસ્તા પર વાહન ચલાવવુ જાણે કે રણની રેતીમાં ચાલતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. આ રસ્તામાં કયાંય ડામરનું નામોનિશાન રહ્યુ નથી.તાલુકાના ગ્રામજનોને પરસ્પર સાંકળતો આ માર્ગ હોય સૌ કોઈને તેની ખાસ આવશ્યકતા રહેતી હોય છે. તેમ છતાં તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યુ હોય તેમ કશુ કામ ધ્યાને લેતા નથી. આ માર્ગ પર મોટા ખુંટવડા અને કિકરીયા ગામ વચ્ચે આવેલ એક નાળુ ખૂબ જોખમી છે. જયાં વન વે જેવી સ્થિતી છે. તેમ છતાં લાંબા સમયથી સત્તાધીશોની નજર પડતી જ નથી. જાણે કે, આ રસ્તા પરથી કોઈ અધિકારીઓ કે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ પસાર થતા નહિ હોય તેવુ લોકોને લાગી રહ્યુ છે. જો તંત્ર વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ નહિ ધરે તો સ્થાનિક લોકોને આંદોલનના મંડાણ કરવાની ફરજ પડશે તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.

