કચ્છના ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં પડોશી વેરવૃત્તિએ સીમા વટાવી દીધી છે. ઘરની બહાર ઓટલા પર બેસવાની જેવી બાબતના મનદુઃખમાં ત્રણ મહિલાઓ સહિત ચાર શખસોએ પડોશી આધેડને બાથરૂમમાં કેદ કરી, જ્વલંતશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજતા આ મામલો હવે હત્યામાં ફેરવાયો છે.

શું હતી સમગ્ર ઘટના?
ગાંધીધામના ગણેશનગરમાં રહેતા હીરાભાઈ મહેશ્વરીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના ભાઈ કરશનભાઈ મહેશ્વરી (ઉં.વ. 50)નો બે દિવસ અગાઉ પડોશમાં રહેતા પરિવાર સાથે ઓટલા પર બેસવા બાબતે વિવાદ થયો હતો. આ સામાન્ય ઝઘડાની અદાવત રાખી પડોશમાં રહેતા પ્રેમિલાબેન, અજુબેન, મંજુબેન અને ચીમનારામ મારવાડીએ કરશનભાઈ પર હુમલો કર્યો હતો.આરોપીઓના હુમલા અને મારથી બચવા માટે કરશનભાઈ પોતાના ઘરના બાથરૂમમાં દોડી ગયા હતા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. જોકે, આરોપીઓએ અમાનવીયતાની તમામ હદો વટાવી દીધી હતી. ચારેય શખસોએ સાથે મળીને બાથરૂમમાં જ્વલંતશીલ પદાર્થ છાંટ્યો અને આગ ચાંપી દીધી હતી. આગની લપેટમાં આવી ગયેલા કરશનભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ગંભીર હાલતમાં કરશનભાઈને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. પડોશમાં રહેતા પરિવારો વચ્ચેના સામાન્ય વિવાદો કેટલા ભયાનક પરિણામો લાવી શકે છે, તે આ ઘટનાએ સાબિત કર્યું છે.
