પાટણના સમી-રાધનપુર હાઈવે પર આજે (27મી જાન્યુઆરી) અકસ્માત સર્જાયો હતો. ખોડિયાર હોટલ નજીક પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કેવી રીતે અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, સમી-રાધનપુર હાઈવે પર આવેલી ખોડિયાર હોટલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે અડફેટે લીધું હતું. ટ્રેક્ટર અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક રોડ પર પટકાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી યુવકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો.
હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો
અકસ્માતને પગલે હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ જવાથી અને વાહનો વચ્ચે રસ્તો રોકાઈ જવાથી લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરો અને વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયો. પોલીસે હાલમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

