વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે આડેધડ થતા દબાણો અને કેટલાય વખતથી બંધ હાલતમાં રસ્તા પર પડેલા વાહનો સહિત મંગળ બજાર, કલામંદિરના ખાચા સહિત, ન્યાયમંદિર અને કાળો પુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણો સહિત આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિક નિયમનમાં થતા અવરોધ સામે પાલિકા તંત્રની દબાણ શાખાએ આજે સપાટો બોલાવીને આવી રીતે રસ્તા પર પોતાના વાહનો પાર્ક થવાના કારણે ટ્રાફિક નિયમનમાં ભારે અડચણ સર્જાતી હોવાથી ગેરકાયદે પાર્કિંગ સામે લાલ આંખ કરી હતી. કેટલાય વખતથી રોડ રસ્તા પર બંધ હાલતમાં પડેલા વાહનો દબાણ શાખા ટો કરીને ઉઠાવી લીધા હતા. જ્યારે દુકાનો આગળ થતા ગેરકાયદે પાર્ક વાહનો સામે પણ દબાણ શાખાએ લાલ આંખ કરી હતી.

વડોદરા મહાનગર સેવા સદનના દબાણ શાખા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે. જેમાં આજે દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ તથા તુવેરની દેખરેખ હેઠળ ન્યાય મંદિર કોર્ટ પાસે તથા આજુબાજુના વિસ્તારમાં સ્થાનિકો દ્વારા આડેધડ કરવામાં આવતા અનધિકૃત પાર્કિંગ હટાવવાની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી.શહેરના મંગળ બજાર, કલામંદિર ના ખાચા સહિત કાળુપુરા વિસ્તારમાં દબાણ શાખાએ કરેલી કામગીરીમાં સ્થાનિક પોલીસ અને એસઆરપી તંત્ર દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
આ વિસ્તારના જાહેર રોડ રસ્તા પર વાહનો પાર્ક કરાઈ રહ્યા હોવાના કારણે ટ્રાફિક માટે ભારે અવરોધરૂપ તથા રાહદારીઓને ભારે ત્રાસરૂપ બન્યો હતો. તે બાબતને ધ્યાને લઈ મહાનગરપાલિકા તંત્રના દબાણ શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી જાહેર રોડ પર આ આ વિસ્તારમાં ગેરકાયદે અને અનધિકૃત રીતે મોટી સંખ્યામાં પાર્ક કરાયેલા વાહનો હટાવવા સહિત કેટલાય વાહન ચાલકો સામે દંડનિય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
પાલિકા તંત્ર દ્વારા નાગરિકોને જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ નહીં કરવા તેમજ નિયમિત પાર્કિંગ વ્યવસ્થાનો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવે હતી. ભવિષ્યમાં પણ આવા દબાણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું.

