જીવનમાં ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે, “મેં કોઈનું ખરાબ નથી કર્યું, તો મારી સાથે જ આવું કેમ?” અથવા “મેં તો તેને જીવથી પણ વધુ પ્રેમ કર્યો હતો, તો તે મને છોડીને કેમ ગયા?” આ બધા પ્રશ્નોનો જવાબ છે ‘ધ રિટર્ન થીયરી’. બ્રહ્માંડ એક અરીસા જેવું છે. તમે જે લાગણી, જે પ્રેમ કે જે દર્દ દુનિયાને આપો છો, તે વ્યાજ સાથે એક દિવસ તમારી પાસે પાછું આવે જ છે. તે માત્ર સમય અને વ્યક્તિ બદલીને આવે છે.
પ્રેમ અને સન્માનનું ચક્ર
તમે જે વ્યક્તિને દિલથી ચાહી અને તે તમને છોડીને બીજા પાસે જતી રહી, ત્યારે તમને લાગે છે કે તમારો પ્રેમ હારી ગયો. પણ રિટર્ન થીયરી કહે છે કે એવું નથી. તમારો પ્રેમ નિષ્ફળ નથી ગયો, પણ એ વ્યક્તિ તમારા પ્રેમને લાયક નહોતી. થોડા સમય પછી, કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં આવશે જે તમને એ જૂના પ્રેમ કરતા પણ વધુ ઈજ્જત અને વહાલ આપશે. તમે જે પ્રેમ વહેંચ્યો હતો, તે ઈશ્વર બીજી વ્યક્તિ દ્વારા તમને પાછો અપાવે છે.
હાર પછીની મોટી જીત
જ્યારે દુનિયા તમને પાડી દેવાનો પ્રયત્ન કરે અને તમે ચુપચાપ મહેનત કરીને ઉભા થઈ જાવ છો, ત્યારે સમય પલટાય છે. જે લોકોએ તમારી મજાક ઉડાવી હતી, આજે એ જ લોકો તમારી સફળતાના વખાણ કરવા મજબૂર બને છે. રિટર્ન થીયરી એ ન્યાયનું નામ છે.
ભગવાનનો નવો રસ્તો
જ્યારે તમને લાગે કે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે અને બધું ખતમ થઈ ગયું છે, ત્યારે જ ભગવાન એક નવો રસ્તો ખોલે છે. આ થીયરી સમજાવે છે કે તમારી સાથે ક્યારેય કંઈ ખોટું નથી થતું. બસ, કુદરત તમને એ લોકો, એ સમય અને એ જગ્યાથી દૂર લઈ જાય છે જેનો તમારા ભવિષ્ય (Future) સાથે કોઈ લેવાદેવા નથી.
નદી જ્યારે વહે છે ત્યારે રસ્તામાં પથ્થરો આવે છે, પણ તે રોકાતી નથી. તે રસ્તો બદલી નાખે છે પણ સમુદ્ર સુધી પહોંચે જ છે. જીવનમાં આવતી ઠોકર એ અંત નથી, પણ રસ્તો બદલવાનો સંકેત છે.
“કર્મોનો અવાજ શબ્દો કરતા પણ ઊંચો હોય છે, આજે જે તમે આપો છો, કાલે તે જ લણી લેશો.ઈશ્વર ક્યારેય કોઈનું ઉધાર રાખતો નથી, કાં તો તે તમારી ધીરજની પરીક્ષા લે છે અથવા વ્યાજ સાથે વળતર આપે છે.
જે તમારી પાસેથી છીનવાઈ ગયું છે તેનો અફસોસ ન કરો, કારણ કે કુદરત એ જ વસ્તુ પાછી લે છે જે તમારા આવનારા સારા સમયમાં અવરોધ બની રહી હોય. રિટર્ન થીયરી એ બીજું કંઈ નહીં પણ ‘કરુણા’ અને ‘ધીરજ’નો સમન્વય છે. તમે બસ નિઃસ્વાર્થ ભાવે પ્રેમ વહેંચતા રહો, મહેનત કરતા રહો અને ઈશ્વર પર ભરોસો રાખો. સમય જતાં તમને સમજાશે કે જે થયું તે સારા માટે જ હતું.

દર્શના પટેલ ( નેશનલ મેડાલિસ્ટ)
