અમદાવાદ સ્થિત અને રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાના ધામમાં દારૂબંધીના લીરેલીરા ઉડતી આ ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી હોસ્ટેલના ધાબા પરથી દારૂની બોટલો મળી આવવી એ મોટા સવાલો ઊભા કરે છે.

હોસ્ટેલના પરિસરમાં અવારનવાર દારૂની મહેફિલો જામતી હશે
મળતી માહિતી અનુસાર, 27મી જાન્યુઆરી, 2026ની મોડી રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલના D બ્લોક પર તપાસ દરમિયાન ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. બ્લોકના ધાબા પરથી એક-બે નહીં પરંતુ વિદેશી અને મોંઘા દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આટલી મોટી સંખ્યામાં બોટલોનું મળી આવવું એ સ્પષ્ટ છે કે હોસ્ટેલના પરિસરમાં અવારનવાર દારૂની મહેફિલો જામતી હશે. અગાઉ જ્યારે શિક્ષણમંત્રીએ રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે પણ તેમના હાથે દારૂની બોટલ લાગી હતી, જે દર્શાવે છે કે જૂની ઘટનાઓમાંથી કોઈ પાઠ લેવામાં આવ્યો નથી.તંત્રની ગંભીર બેદરકારી
આ ઘટનાને પગલે હોસ્ટેલના સત્તાધીશો અને સુરક્ષા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્ટેલમાં 24 કલાક સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડનની હાજરી હોવા છતાં, બહારના તત્વો કે વિદ્યાર્થીઓ આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ અંદર કેવી રીતે લાવી શકે છે તે તપાસનો વિષય છે. હાલમાં આ મુદ્દે હોસ્ટેલના વહીવટી તંત્ર સામે આકરા સવાલો ઉઠી રહ્યા છે અને આગામી દિવસોમાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
