સુરત પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તેમાં પણ વિવિધ સમિતિઓના ચેરમેન સંગઠનના હોદ્દેદારો પપેટ હોવાનું ફરી એક વખત સાબિત થઈ ગયું છે. આ ઉપરાંત સુરત પાલિકાના વહિવટમાં શાસકો જે નિર્ણય કરે છે તે નિર્ણય સમિતિના અધ્યક્ષ નહીં પરંતુ કમલમમાંથી મળેલા આદેશ બાદ જ ઠરાવ લખવામાં આવે છે. સુરત પાલિકામાં ગઈકાલે ટીપી કમિટિની બેઠક બાદ ટીપી અધ્યક્ષે સાઈટ ચેન્જની દરખાસ્તમાં પહેલા મંજુર અને ત્યારબાદ મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. મંગળવારે ટીપી કમિટીની બેઠકમાં દરખાસ્ત મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બુધવારે સવારે પણ ટીપી કમિટી ચેરમેને દરખાસ્ત મુલતવી રાખવાનો જ નિર્ણયને વળગી રહ્યા હતા. પાલિકાની ટીપી કમિટીનો નિર્ણય ચેરમેને કર્યો પણ ઉપરથી ફોન આવતા નિર્ણય ફેરવી તોળ્યો છે તે મુદ્દો પાલિકામાં હોટ ટોપીક બની ગયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં બે મોટા રાજકીય નેતાઓની લડાઈમાં સ્કુલની જગ્યા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સુરત પાલિકાના કતારગામ ઝોનમાં મૂળ યોજના મુજબ ટી.પી.50માં સુમન શાળાને મંજૂરી અને ખાત મુર્હુત કર્યા બાદ બાંધકામ માટે ઇજારદારને વર્ક ઓર્ડર પણ અપાયો હતો. જોકે, સ્થાનિક ધારાસભ્ય વિનોદ મોરડીયાએ પાલિકાને પત્ર લખ્યો હતો જેના કારણે ટી.પી.35ની નવી જગ્યાએ બાંધકામ પણ શરુ કરી દેવામાં આવ્યું હતું. જેમાં ભાજપના જ કોર્પોરેટરે વિરોધ કર્યો હતો.આ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને જ્યાં સ્કૂલ મંજુર થઈ હતી તે વિસ્તારના લોકો અને સંગઠનના લોકોએ સ્કૂલની જરૂર નથી તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ જ્યાં સ્કુલનું બાંધકામ સ્થળ ફેરવી કર્યું હતું તે જગ્યાના લોકો અને સંગઠને આ જગ્યાએ જ શાળાની જરૂર છે તેવી માંગણી કરી હતી.

સ્થાયી સમિતિમાં નવી જગ્યાએ શાળાનું કામ ચાલે છે તે જગ્યાએ હેતુ ફેર માટે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. પરંતુ સ્થાયી સમિતિએ આ દરખાસ્ત મુલતવી રાખી હતી. તંત્રએ સ્થાયી સમિતિ સાથે ટીપી કમિટીમાં પણ દરખાસ્ત રજુ કરી હતી. જેમાં મંગળવારે મળેલી ટીપી કમિટીની બેઠકમાં આ એક માત્ર દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં ટી.પી.35(કતારગામ)માં સેલ ફોર કોમર્શિયલના જાહેર હેતુ માટે ફાળવેલા અનામત ફાઈનલ પ્લોટ-123 નો હેતુફેર કરી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર હેતુ માટે નિયત કરવાની દરખાસ્ત રજૂ થઇ હતી. બેઠક બાદ અધ્યક્ષ નાગર પટેલે કહ્યું હતું કે, આ હેતુ ફેરની દરખાસ્ત મંજુર કરી દીધી છે. આ પ્રકારનું બ્રિફીંગ કર્યાના ગણતરીના કલાકોમાં જ ટીપી કમિટી અધ્યક્ષે પલટી મારી દીધી હતી. તેઓએ કહ્યું હતું કે, આ દરખાસ્તને સ્થાયી સમિતિએ મુલતવી રાખી છે
આ દરખાસ્ત મુદ્દે મોડી રાત્રે પણ ટીપી અધ્યક્ષ નાગર પટેલે દરખાસ્ત મુલતવી રાખવાની વાત કરી હતી અને આજે સવારે પણ 12 વાગ્યે આ દરખાસ્ત મુલત્વીજ રાખવામાં આવી છે તેવી વાત કરવા સાથે પાલિકામાં પણ ઠરાવમાં દરખાસ્ત મુલતવી રાખવાની સૂચના આપી હતી. જોકે, ગણતરીની મિનિટોમાં જ ફરીથી નાગર પટેલે દરખાસ્ત મંજુર કરવામાં આવી છે તેવો ઠરાવ કરવા માટે સૂચના આપી છે.
મંગળવારે ટીપી કમિટિની બેઠક બાદ આજે બપોર સુધી દરખાસ્ત મુલતવી રાખવાની વાત કરનારા નાગર પટેલે કમલમાંથી ફોન આવતાં ટીપી કમિટીમાં કરેલા નિર્ણયને ફેરવી તોળ્યો છે. આ જ સાબિત કરી દીધું છે કે, પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષોને કમલમમાં સંકલનના નામે સીધી સુચના આપવામાં આવે છે અને તે નિર્ણય કરવાનો હોય છે.
આ પહેલા પણ જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષે આ ત્રણ કામ ભાજપ સંગઠનની જાણ બહાર મુકી દીધા હતા ત્યારબાદ શહેર પ્રમુખે જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષને શો કોઝ નોટિસ ફટકારી હતી. આ મુદ્દે શહેર પ્રમુખ અને ટીપી ચેરમેન બન્ને વચ્ચે સંકલનનો અભાવ હતો તેથી હવે આ મુદ્દે કોની સામે પગલાં ભરાશે તે આવનારો સમય જ બતાવશે.

