ભરૂચ જિલ્લામાં ગતરોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘પ્રખરતા શોધ કસોટી’ અત્યંત શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના ૧૦ કેન્દ્રો પર ધોરણ-૯ના ૨,૫૬૭ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સ્વાગત કુમકુમ તિલક અને સાકર આપીને કરવામાં આવતા વાતાવરણમાં પરીક્ષાનો ડર દૂર થઈને નવી ઉર્જાનો સંચાર થયો હતો.

કુલ ૮૬ બ્લોકમાં લેવાયેલી આ કસોટી બે તબક્કામાં વહેંચાયેલી હતી. પ્રથમ સત્રમાં અંગ્રેજી, ગુજરાતી અને જીકે જેવા વિષયો દ્વારા વિદ્યાર્થીઓની સામાન્ય સમજ ચકાસવામાં આવી હતી, જ્યારે બીજા સત્રમાં ગણિત-વિજ્ઞાન જેવા ગહન વિષયો પર તર્કશક્તિની કસોટી થઈ હતી. ૧૨૫ કર્મચારીઓના ચુસ્ત અને પારદર્શક નિરીક્ષણ હેઠળ આ આયોજનને આખરી ઓપ અપાયો હતો.ઉલ્લેખનીય છે કે, આ કસોટીમાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરશે, તેમને રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૧૨ સુધી દર વર્ષે ₹૧૨,૦૦૦ની (કુલ ₹૪૮,૦૦૦) માતબર શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવશે. આ શિષ્યવૃત્તિ તેજસ્વી તારલાઓને આર્થિક ટેકો પૂરો પાડી તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર કરવામાં નિમિત્ત બનશે.
