ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં તાજેતરમાં બનેલી ઘટનાઓએ સમાજ માટે લાલબત્તી સમાન સ્થિતિ સર્જી છે. આ વિસ્તારમાં લગ્ન પ્રસંગો, બેન્ડ પાર્ટી કે આદિવાસી સંમેલનો જેવા જાહેર કાર્યક્રમો હવે યુવાનો માટે મનોરંજનના બદલે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.ગતરોજ ઝરણ ગામે યોજાયેલા આદિવાસી સંમેલનમાં નાચવા આવેલા 4 થી 5 યુવાનો પડી જવાથી ઇજાગ્રસ્ત હાલતમાં સુબીર સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે દાખલ થયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, આ યુવાનોની સાથે એક 18 વર્ષની યુવતી પણ ગંભીર હાલતમાં આવી હતી, જેને માથાના ભાગે 4 થી 5 ટાંકા આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ તમામ યુવાનો અને યુવતી નશાની હાલતમાં હોવાનું જણાયું હતું હોસ્પિટલમાં આવતા મોટાભાગના યુવાનો દારૂ કે ગાંજાના નશામાં હોય છે.

યુવતીઓમાં વ્યસન: હવે માત્ર યુવકો જ નહીં, પણ નાની ઉંમરની યુવતીઓ પણ નશાના રવાડે ચઢી રહી છે, જે આદિવાસી સંસ્કૃતિ અને સમાજ માટે ચિંતાનો વિષય છે.
અકસ્માતોની હારમાળા: દર કાર્યક્રમ બાદ રાત્રિના સમયે 7 થી 8 યુવાનો અકસ્માત કે પડી જવાને કારણે ઇમરજન્સી વોર્ડમાં દાખલ થાય છે.
સમય આવી ગયો છે કે સ્થાનિક વહીવટી તંત્ર અને સમાજના અગ્રણીઓ જાગૃત થઈ આ જીવલેણ નશાની બદીને રોકવા માટે કડક પગલાં ભરે.

