અંબાજીના ગબ્બર ખાતે આવતીકાલથી ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવ 1 ફેબ્રુઆરી સુધી ચાલશે.સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આવતીકાલથી ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને સ્વપ્ન સમાન આ શક્તિપીઠ પરિક્રમા માર્ગ પર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનશે. આ મહોત્સવ 1 ફેબ્રુઆરી સુધી ચાલશે.
હિન્દુ ધર્મમાં 51 શક્તિપીઠોનું વિશેષ મહત્વ છે, જે સમગ્ર ભારતીય ઉપખંડમાં પથરાયેલા છે. દરેક શક્તિપીઠ પર જવું સામાન્ય ભક્ત માટે મુશ્કેલ હોય છે, પરંતુ અંબાજી ગબ્બર ખાતે તૈયાર કરવામાં આવેલા આ વિશેષ પરિક્રમા માર્ગને કારણે ભક્તોને એક જ સ્થળે અને એક જ જન્મમાં તમામ 51 શક્તિપીઠોના દર્શન કરવાની સુવર્ણ તક મળી રહી છે.

આ મહોત્સવ આવતીકાલથી શરૂ થઈને 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરિક્રમા માર્ગ પર લાઈટિંગ, પીવાનું પાણી અને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગબ્બર ખાતે આ પવિત્ર શક્તિપીઠોના પ્રતિક મંદિરો બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. આજે આ સ્થળ વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરિક્રમા દરમિયાન ભક્તો વિવિધ શક્તિપીઠોના શાસ્ત્રોક્ત મહત્વ વિશે પણ માહિતગાર થશે.યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ બસો અને રહેવાની વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગબ્બર પર્વતની તળેટીમાં મહોત્સવને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
