ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તથા પ્રયાસ સંસ્થાના સહયોગથી પાલનપુર તાલુકાના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે “બાળ લગ્ન મુક્ત ભારત” અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

“બાળ સુરક્ષા- જવાબદારી આપણા સૌની” ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળ લગ્ન જેવી સામાજિક બદીને નાબૂદ કરવા તેમજ સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના સાનિધ્યમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે ‘બાળ લગ્ન મુક્ત રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તે પહેલા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા સામૂહિક રીતે “બાળ લગ્ન મુક્ત ભારત પ્રતિજ્ઞા” લેવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ અને તેમની સુરક્ષા માટે સમાજના તમામ વર્ગોની સક્રિય ભાગીદારી અત્યંત આવશ્યક છે. સરકાર, સંસ્થાઓ અને નાગરિકો એકસાથે કાર્ય કરશે ત્યારે જ બાળ લગ્નને સંપૂર્ણપણે અટકાવી શકાશે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાને બાળ લગ્ન મુક્ત જિલ્લો બનાવવા માટે આ રથ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તા. ૨૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનની જાહેરાત કરી હતી, જેને કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. બાળકોના સ્વપ્નોને સાકાર કરવા, તેમના નિર્દોષ હાસ્ય અને બાળપણને સુરક્ષિત રાખવા માટે જનજાગૃતિ આવશ્યક છે. બાળકોના હાથમાં પુસ્તકો રહે, સંસારની જવાબદારી વહેલી વયે તેમના પર ન મુકાય એ જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, શિક્ષણ સમાજ પરિવર્તનનું શક્તિશાળી માધ્યમ છે અને બાળ લગ્ન જેવી કુરિવાજ સામે લડવા માટે સૌએ જવાબદારીપૂર્વક આગળ આવવું જરૂરી છે. “હમ બચ્ચો ને થાના હે, બાળ વિવાહ મીટાના હે” ના સંકલ્પ સાથે તેમણે જણાવ્યું હતું કે, અગાઉની સરખામણીએ આજે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. સમાજમાં વધતી જાગૃતિને કારણે બાળ લગ્ન જેવી કુરિવાજ ધીમે ધીમે નાબૂદ થવા જઈ રહી છે.
તેમણે જણાવ્યું કે, સામાજિક દબાણ અને ખોટી પરંપરાઓને અટકાવવાના હેતુથી આજે જિલ્લામાં બાળ લગ્ન મુક્ત રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જેના થકી સમગ્ર જિલ્લામાં જાગૃતિ ફેલાશે. પ્રયાસ જેવી સંસ્થાઓના પ્રયાસોને બિરદાવતાં તેમણે કહ્યું કે, આવા સંયુક્ત પ્રયાસોથી ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સજ્જ અને જવાબદાર નાગરિકો તૈયાર થશે.
આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા રથનું સ્વાગત કરી ઉપસ્થિત મહેમાનો તેમજ વકીલશ્રીઓ દ્વારા સિગ્નેચર કેમ્પેઇનમાં ભાગ લઈ અભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
અહેવાલ : પ્રધાનજી ઠાકોર

