બોડેલી શહેરના શિવાજીનગર વિસ્તારમાં છેલ્લા બે થી ત્રણ મહિનાથી ગટર ઉભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરનું પાણી રસ્તા પર ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગટર ઉભરાવના કારણે વિસ્તારમાં અતિશય દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ મુદ્દે બોડેલી નગરપાલિકામાં અનેક વખત લેખિત અને મૌખિક રીતે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. ક્યારેક નગરપાલિકાની ટીમ રીપેર કે સફાઈ માટે આવે છે, પરંતુ સમસ્યાનું મૂળ સમાધાન થતું નથી. બે દિવસ પહેલા પણ સફાઈ માટે કર્મચારીઓ આવ્યા હતા, છતાં ગટર ઉભરાવની સ્થિતિ યથાવત છે.
ગટરનું દુષિત પાણી અને દુર્ગંધના કારણે આરોગ્ય પર ગંભીર અસર પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ જ વિસ્તારમાં બે બાળકો બીમાર પડ્યા હોવાની ઘટના સામે આવી છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો નગરપાલિકા સામે તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આ સમસ્યા વધુ વિકટ સ્વરૂપ ધારણ કરી શકે તેવી ચેતવણી પણ આપી રહ્યા છે.
રિપોર્ટર :તોસીફ ખત્રી

