અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સતત 9મી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 85 મિનિટના બજેટ ભાષણમાં તેમણે 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર, 3 નવા AIIMS અને કેન્સરની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરી છે. આ બજેટમાં MSME, સેમિકન્ડક્ટર, આયુષ સંસ્થા અને મેડિકલ ટુરિઝમ હબ જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક રોકાણની દરખાસ્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે બહુભાષી AI ટૂલ અને નાના કરદાતાઓ માટે ઓટોમેટેડ પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. સાથે જ સોલર એનર્જી, માઇક્રોવેવ અને ટેક્સટાઇલ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરાયા છે. ત્યારે હવે કેન્દ્રીય બજેટ 2026-27 પર પક્ષ વિપક્ષના નેતાઓને પ્રતિક્રિયાઓ સામે આવી છે.

વિકસિત ભારત માટે ઐતિહાસિક બજેટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદીએ બજેટની પ્રશંસા કરતા કહ્યું કે, ‘આ બજેટ 2047 સુધીના વિકસિત ભારતના લક્ષ્ય માટે મજબૂત પાયો છે. ભારતની સુધારાની ગતિને આનાથી નવી ઉર્જા મળશે. તેમણે ઉમેર્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ બજેટ મહિલા શક્તિના સશક્તિકરણનું પ્રતીક છે અને આજના સપનાઓને વાસ્તવિકતામાં બદલવાનું કામ કરશે.’
સંસદમાં પોતાનો પક્ષ રાખશે: રાહુલ ગાંધી
વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કહ્યું કે તેઓ આવતીકાલે સંસદમાં આ બાબતે વિગતવાર વાત કરશે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘યુવાનો બેરોજગાર છે, ઉત્પાદન ઘટી રહ્યું છે, રોકાણકારો મૂડી પાછી ખેંચી રહ્યા છે, સ્થાનિક બચત ઘટી રહી છે, ખેડૂતો સંકટમાં છે, વૈશ્વિક આંચકા આવી રહ્યા છે, બધાને અવગણવામાં આવ્યા છે. આ એક એવું બજેટ છે જે વાસ્તવિક કટોકટીઓને સંબોધવાને બદલે તેમને નજરઅંદાજ કરે છે.’
દરેક વર્ગના સપનાઓને શક્તિ આપતું બજેટ: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, ‘મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, ટૂરિઝમ અને AI જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતું આ બજેટ દરેક ગામ અને શહેરના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના સપના પૂરા કરશે.’ તેમણે આ બજેટને આગામી 25 વર્ષનો રોડમેપ ગણાવ્યો છે.બંગાળની અવગણના અને ‘હમ્પ્ટી-ડમ્પ્ટી’ બજેટ: મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે ‘આ બજેટમાં બંગાળને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી.’ તેમણે તેને મહિલા, ખેડૂત અને શિક્ષણ વિરોધી ‘હમ્પ્ટી-ડમ્પ્ટી’ બજેટ ગણાવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર માત્ર જીએસટી વસૂલે છે પણ રાજ્યોને તેમનો હક આપતી નથી.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર: નિતિન ગડકરી
નિતિન ગડકરીએ જણાવ્યું કે ‘આ બજેટના કેન્દ્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. કનેક્ટિવિટી અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક ડગલું છે.’
કેરળ માટે નિરાશા: શશિ થરૂર
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે ‘મને આશા હતી કે કેરળમાં આયુર્વેદ સંસ્થા મળશે, પરંતુ બજેટમાં કેરળનું નામ જ સાંભળવા મળ્યું નથી, જે આશ્ચર્યજનક છે.’
આશાઓ અને સુધારાનું બજેટ: યોગી આદિત્યનાથ
યુપીના સીએમ યોગી આદિત્યનાથે બજેટને આશાઓનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું કે ‘આયુષ, આરોગ્ય અને મહિલાઓ માટે દરેક જિલ્લામાં હોસ્ટેલની સુવિધા જેવી જાહેરાતો અર્થતંત્રને નવી ગતિ આપશે.’
જનતાને રાહત ન મળી: અખિલેશ યાદવ
સપા નેતા અખિલેશ યાદવે કહ્યું કે ‘આ બજેટ કોઈને રાહત આપનારું નથી. જો આવી જ સ્થિતિ રહી તો સોનાને બદલે પિત્તળના ઘરેણાં પહેરવા પડશે.’
ખેડૂતો અને પશુપાલન ક્ષેત્ર પર ધ્યાન: લલન સિંહ
કેન્દ્રીય મંત્રી લલન સિંહે કહ્યું કે ‘આ બજેટ ગરીબ, મહિલા અને ખેડૂત પર કેન્દ્રિત છે. ભારત પશુપાલન ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને આ બજેટમાં પશુ ચિકિત્સાની માળખાગત સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.’
વિપક્ષને આ બજેટમાં શું તકલીફ છે?: પીયૂષ ગોયલ
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વિપક્ષને સવાલ કર્યો કે ‘તેમને આ બજેટમાં શું તકલીફ છે? શું તેઓ નથી ઈચ્છતા કે MSME ક્ષેત્ર પ્રગતિ કરે અથવા ખેડૂતોનું ભવિષ્ય ઉજ્જવળ બને?’ તેમણે વિપક્ષને કોઈ નક્કર મુદ્દા પર વાત કરવા પડકાર ફેંક્યો હતો.
રેલવે અને ડેટા સેન્ટર માટે મોટી જાહેરાતો: અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ‘ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) પર વિશેષ ભાર મૂકીને વિકસિત ભારતનો પાયો નખાયો છે. રેલવે માટે 7 નવા હાઈ-સ્પીડ કોરિડોર અને દક્ષિણ ભારતમાં ખાસ રેલવે ટ્રાયેન્ગલ બનાવવામાં આવશે. ડેટા સેન્ટરો પર કર મુક્તિ અને ‘ઓરેન્જ ઇકોનોમી’ દ્વારા 20 લાખ રોજગારીની તકો ઊભી થશે.’હિમાચલના ખેડૂતો માટે પ્રોત્સાહન: કંગના રનૌત
સાંસદ કંગના રનૌતે બજેટની પ્રશંસા કરતા કહ્યું કે ‘હિમાચલ પ્રદેશના મગફળી પકવતા ખેડૂતોને જે પ્રોત્સાહનની જરૂર હતી તે આ બજેટમાં મળ્યું છે.’
આ બજેટ ‘ફેંક અને લપેટવા’ જેવું: શત્રુઘ્ન સિન્હા
ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ બજેટને ‘ફેંક અને લપેટવા’ જેવું ગણાવ્યું. તેમણે કહ્યું કે ‘આમાં રોજગારી કે ખેડૂતોના કલ્યાણ માટે કોઈ નક્કર યોજના નથી અને તે વિકસિત ભારત માટેનું બજેટ નથી. બજેટ રેટિંગ આપવાને પાત્ર નથી.’
વિપક્ષની ટીકા માત્ર રાજકારણ: કિરેન રિજિજુ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ બજેટને ‘સુધાર એક્સપ્રેસ’ ગણાવ્યું અને કહ્યું કે ‘વિપક્ષની ટીકા માત્ર રાજકારણ પ્રેરિત છે. આ બજેટ દેશના સામાન્ય માણસના વિકાસ માટે છે.’
મોંઘવારી રોકવા માટે કંઈ નથી: માલવિંદર સિંહ કાંગ
AAP નેતા માલવિંદર સિંહે બજેટને નિરાશાજનક ગણાવતા કહ્યું કે ‘મોંઘવારી રોકવા માટે કંઈ નથી. તેમણે આરોપ લગાવ્યો કે બજેટમાં પંજાબનો ઉલ્લેખ નથી અને માત્ર ચૂંટણીવાળા રાજ્યો પર જ ધ્યાન અપાયું છે.’
અમલીકરણ સૌથી મોટો પડકાર: કિરણ બેદી
પૂર્વ IPS કિરણ બેદીએ કહ્યું કે ‘બજેટમાં સરકારી ખર્ચની મોટી રકમ ફાળવાઈ છે, પરંતુ અસલી પડકાર એ છે કે સરકારી અધિકારીઓ અને ખાનગી ક્ષેત્ર આ નાણાંનો સાચો ઉપયોગ કેવી રીતે કરે છે.’
યુવાનો અને રમતગમત પર ભાર: મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ‘આ બજેટમાં રમતગમત ક્ષેત્રે મજબૂત ઈકોસિસ્ટમ બનાવવા અને રમતગમતની સામગ્રીના ઉત્પાદનનું હબ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.’
સામાજિક ન્યાય આપતું બજેટ: રામદાસ અઠાવલે
સાંસદ રામદાસ અઠાવલેએ બજેટને ક્રાંતિકારી ગણાવ્યું અને કહ્યું કે ‘તે સમાજના દરેક વર્ગને સામાજિક અને આર્થિક ન્યાય પ્રદાન કરશે.’
જન કલ્યાણનો દસ્તાવેજ: નાયબ સિંહ સૈની
હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ બજેટને ઐતિહાસિક દસ્તાવેજ ગણાવ્યું, જે ગતિ, ક્ષમતા અને સર્વસમાવેશી વિકાસના સ્તંભો પર આધારિત છે.
વિકસિત ભારત તરફનું કદમ: રેખા ગુપ્તા
સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે ‘આ બજેટમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પર્યટન ઉદ્યોગના વિકાસ પર ધ્યાન આપીને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે.’
ગરીબ અને યુવા કેન્દ્રિત બજેટ: મોહન યાદવ
એમપીના સીએમ મોહન યાદવે જણાવ્યું કે ‘બજેટમાં ગરીબ, યુવા, ખેડૂત અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે.’

