રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક આજે સરાજાહેર નિલેશ હરિભાઈ ધોકીયા (ઉ.વ.૪૩)ની આરોપી મહેશ દિનેશ જેઠવા (રહે. ખોરાસા ગામ, તા. માળીયા હાટીના)એ છરીના અડધો ડઝનથી વધુ ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાનો બનાવ તાલુકા પોલીસમાં જાહેર થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ પૂછપરછ કરતાં પરિણીત બહેનને મૃતક હેરાન કરતો હોવાથી પતાવી દીધાની કબુલાત આપી છે.

હત્યાનો ભોગ બનનાર નિલેશ અંકુર વિદ્યાલય મેઈન રોડ પર વૃંદાવન સોસાયટી શેરી નં.૪માં રહેતો હતો અને ફર્નિચરનું કામ કરતો હતો. સંતાનમાં તેને ૧પ વર્ષનો પુત્ર અને ૧૩ વર્ષની પુત્રી છે. તેની સાથે તેની પત્ની ભાવના, ભાઈ રમેશ, માતા મધુબેન પણ રહેતા હતા.
તાલુકા પોલીસની તપાસમાં ખુલ્યા પ્રમાણે નિલેશ આરોપી મહેશની પરિણીત બહેન પ્રજ્ઞાાને મેસેજ કરી કે બીજી કોઈ રીતે હેરાન કરતો હતો. જેને કારણે બંને વચ્ચે અગાઉ પણ માથાકૂટ થઈ હતી. આજે ફરીથી નિલેશે આરોપી મહેશને સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક વાતચીત કરવા માટે બોલાવ્યો હતો. જયાં પહોંચ્યા બાદ નિલેશ એક વોટરકુલરમાં પાણી પી થોડો આગળ પહોંચ્યો તે સાથે જ પાછળથી ઘસી આવેલા આરોપી મહેશે તેને પાછળના ભાગે છરીના બે જેટલા ઘા ઝીંકી દેતાં નીચે પટકાયા બાદ ફરીથી છરી વડે તૂટી પડયો હતો.
આ રીતે છરીના અડધો ડઝનથી વધુ ઘા ઝીંકી નિલેશને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ બાઈક લઈને ભાગી ગયો હતો. માહિતી મળી જતાં તત્કાળ પોલીસે તેને ગાંધીગ્રામ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. જે ફૂટેજ પોલીસે તપાસના કામે કબજે લેવા તજવીજ શરૂ કરી છે.
પોલીસે મૃતકના ભાઈ રમેશની ફરિયાદ પરથી ખૂનનો ગુનો નોંધ્યો હતો. બનાવ બન્યો ત્યારે રમેશ કોઝી કોર્ટ યાર્ડ ખાતે ફર્નિચર કામ કરતો હતો. તેના ફઈબાના પુત્ર નરેશ ટાંકે ઘટના અંગે જાણ કરતાં સ્થળ પર દોડી ગયો હતો. જોયું તો તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં પડયો હતો. ૧૦૮ના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક તપાસ પાછળ બહાર આવેલું કારણ જ સાચું છે કે પછી બીજું કોઈ કારણ તે અંગે પોલીસે તપાસ જારી રાખી છે. પોલીસે જણાવ્યું કે આરોપી મહેશ ફેબ્રિકેશનનું કામ કરે છે. હાલ તેની રાજકોટમાં સાઈટ ચાલુ છે.

