અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સુરતથી સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે શખસોએ રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવીને સુરત બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી લીધા બાદ નશીલા ઈન્જેક્શન આપી વારંવાર તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓએ ધર્મ અને ઓળખ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. રાંદેર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરી હતી
મળતી માહિતી અનુસાર, પીડિત યુવતી 25મી ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન વર્માના સંપર્કમાં આવી હતી. આ ઉપરાંત અમનનો મિત્ર મહંમદ તોહીદુલ પણ આ ખેલમાં સામેલ હતો. તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી પીડિતાને પોતે હિન્દુ હોવાનું જણાવ્યું હતું અને પોતાનું નામ ‘રોહિત ઉર્ફે તુષાર’ હોવાની ખોટી ઓળખ આપી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો.
20 દિવસ સુધી હોટલમાં ગોંધી રાખી હતી
પહેલી જાન્યુઆરીએ યુવતીનો જન્મદિવસ હોવાથી આરોપીઓએ સેલિબ્રેશનના બહાને તેને સુરત આવવા લલચાવી હતી. યુવતી જેવી સુરત પહોંચી કે તરત જ આરોપીઓ તેને શહેરની વિવિધ હોટલોમાં લઈ ગયા હતા. યુવતી પ્રતિકાર ન કરે તે માટે તેને સતત નશાકારક ઈન્જેક્શન આપી બેભાન કરી દેવામાં આવતી હતી. બેભાન અવસ્થામાં બંને નરાધમો તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. આ દરમિયાન યુવતીને માર મારી તેના સોનાના દાગીના પણ લૂંટી લેવાયા હતા. આરોપીઓ તેને દેહવેપારના ધંધામાં પણ ધકેલવાની પેરવીમાં હતા.
સતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક અત્યાચાર વેઠ્યા બાદ, યુવતી એક દિવસ મોકો મળતા જ આરોપીઓના સકંજામાંથી ભાગી છૂટી હતી. તેણે હિંમત પ્રાથમિક રીતે કોટામાં ‘ઝીરો નંબર’થી FIR નોંધાયા બાદ કેસ સુરત ટ્રાન્સફર કરાયો હતો. રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય વર્મા અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષારની ધરપકડ કરી હતી. પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

