WORLD : ટ્રેડ ડીલથી ભારતનું વિશાળ કૃષિ બજાર ખૂલ્યાનો અમેરિકાનો દાવો

0
14
meetarticle

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર સોદાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાતે જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ ટ્રેડ ડીલ અને ટેરિફમાં ઘટાડાની જાહેરાતને આવકારી હતી. આ ટ્રેડ ડીલની વિગતો હવે સામે આવવા લાગી છે. અમેરિકાના કૃષિ મંત્રી સહિતના નેતાઓએ મંગળવારે કહ્યું કે, ભારત સાથે વેપાર સોદાથી અમેરિકન બજારને પ્રોત્સાહન મળશે. અમેરિકન કૃષિ ઉત્પાદનોને હવે વિશાળ ભારતીય બજારમાં પ્રવેશની તક મળશે. સાથે આ વેપાર સોદાથી અમેરિકાને યુક્રેન યુદ્ધમાં રશિયન આક્રમણનો સામનો કરવામાં પણ મદદ મળશે. બીજીબાજુ ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે ભારતીય કૃષિ અને ડેરી સેક્ટરને સંપૂર્ણપણે સુરક્ષિત રખાયા છે અને વેપાર સોદાની વાટાઘાટોમાં સુરક્ષા જોગવાઈઓ સાથે કોઈ સમજૂતી કરાઈ નથી.પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે સત્તા સંભાળી ત્યારે અમેરિકા સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર (એફટીએ) અંગે વાટાઘાટો શરૂ કરવામાં ભારત અગ્રેસર હતું, પરંતુ ભારતીય કૃષિ અને ડેરી ક્ષેત્રમાં અમેરિકન કંપનીઓના પ્રવેશ પ્રતિબંધ સહિત અનેક કારણોસર બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકી નહોતી. જોકે, અંતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોડી રાતે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અને રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની જાહેરાત કરી હતી.

ટ્રમ્પની જાહેરાતને વધાવી લેવાતા અમેરિકન કૃષિ મંત્રી બૂ્રક રોલિંકે કહ્યું કે, પ્રમુખ ટ્રમ્પે ફરી એક વખત અમેરિકન ખેડૂતો માટે કામ કર્યું છે. અમેરિકા-ભારત વચ્ચે નવી સમજૂતીથી અમેરિકન ખેડૂતો ભારતના મોટા બજારમાં વધુ કૃષિ ઉત્પાદનોને મોકલી શકશે, જેનાથી ગ્રામીણ અમેરિકન ખેડૂતોની આવક વધશે. ૨૦૨૪માં ભારત સાથે અમેરિકન કૃષિ વેપાર ખાધ ૧.૩ અબજ ડોલર હતી. ભારતની વધતી વસતી અમેરિકન કૃષિ ઉત્પાદનો માટે મોટું બજાર છે અને આ કરાર આ ખાધને ઘટાડવામાં મદદ કરશે.

અમેરિકન ગૃહમંત્રી અને નેશનલ એનર્જી ડોમિનન્સ કાઉન્સિરના ચેરમેન ડગ બર્ગમે ટ્રમ્પને ‘ડીલમેકર ઈન ચીફ’ની ઉપાધી આપતા કહ્યું, પ્રમુખ ટ્રમ્પ અમેરિકાના ઊર્જા ક્ષેત્રમાં વિક્રમી રોકાણ લાવી રહ્યા છે. આ ઊર્જા કૂટનીતિ છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થશે અને અમેરિકન અર્થતંત્રને લાભ મળશે. અમેરિકન સેનેટર જિમ રિશે કહ્યું, દુનિયાનું સૌથી જૂનું અને સૌથી મોટું લોકતંત્ર ભારત અમેરિકા સાથે વેપાર અવરોધો ખતમ કરવા સહમત થયું છે. નવી સમજૂતી હેઠળ ભારતે અમેરિકન સામાન ખરીદવાનું વચન આપ્યું છે. તેનાથી અમેરિકાને રશિયન આક્રમક્તાનો જવાબ આપવા અને યુક્રેન યુદ્ધ ખતમ કરવાના પ્રયત્નોમાં મદદ મળશે કારણ કે ભારત રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરશે.

બીજીબાજુ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે, અમેરિકા સાથેના વેપાર કરારમાં કૃક્ષિ અને ડેરી સેક્ટરને સંપૂર્ણપણે સુરક્ષિત રખાયા છે અને વાટાઘાટોમાં મહત્વની સુરક્ષા જોગવાઈઓ સાથે કોઈ સમજૂતી કરાઈ નથી. ખેડૂતોના હિતો, કૃષિ અને ડેરી સેક્ટરમાં સંવેદનશીલ ક્ષેત્રોના ઉત્પાદનો આગળ પણ રહેશે. ભારત દુનિયામાં જ્યાં પણ પ્રતિબંધ નથી ત્યાંથી ક્રૂડ ઓઈલ રેટના આધારે ખરીદતું રહેશે. ભારત હવે વેનેઝુએલા સાથે ક્રૂડ ઓઈલ ખરીદી શકશે. અગાઉ વેનેઝુએલા પર પ્રતિબંધો હતા ત્યારે ભારતે ક્રૂડ ઓઈલ ખરીદ્યું નહોતું. પરંતુ હવે પ્રતિબંધો હટતા ભારત વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે.

પીયુષ ગોયલે વેપાર કરાર અંગે વધુ વિગતો આપવાનું ટાળતા કહ્યું કે, ટૂંક સમયમાં ેબંને દેશ દ્વારા સંયુક્ત નિવેદન મારફત કરારની વિગતો જાહેર કરશે, જેની ઉદ્યોગો અને નિષ્ણાતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, આ વેપાર કરાર કાપડ, પ્લાસ્ટિક, વસ્ત્રો, ગૃહ સજાવટ, ચામડાં અને પગરખાં, જેમ્સ અને જ્વેલરી, ઓર્ગેનિક કેમિકલ્સ, રબર ગૂડ્સ, મશીનરીસ અને વિમાનો જેવા શ્રમ લક્ષી સેક્ટર્સ માટે નવી તકો ખોલશે. આ સેક્ટર્સ પર ૫૦ ટકા ટેરિફ ઘટીને ૧૮ ટકા થઈ ગયો છે. આ કરારથી અમેરિકામાં ભારતની ૩૦ અબજ ડોલરની નિકાસને પ્રોત્સાહન મળશે. આ સાથે ૨૫ અબજ ડોલરના ફાર્મા અને મોબાઈલ ફોન્સના બજારને પણ યુએસ ટેરિફની મર્યાદાથી બહાર રખાયા છે. 

ગોયલે કહ્યું કે, ભારતે અન્ય દેશો સાથેના એફટીએની જેમ અમેરિકાને પણ કેટલાક સેક્ટર્સમાં ડયુટીમાં છૂટ આપી છે. આ કરાર અમલમાં આવશે ત્યારથી ચોક્કસ ક્ષેત્રોમાં ડયુટી સંપૂર્ણ નાબૂદ થઈ જશે જ્યારે અન્ય ક્ષેત્રોમાં ડયુટી તબક્કાવારા નાબૂદ થશે અને કેટલાક ક્ષેત્રોમાં ક્વોટા આધારિત છૂટ અપાશે. જોકે, ભારતે હંમેશા કૃષિ, ડેરી, ચોખા, ઘઉં, પોલ્ટ્રી, કઠોળ, જીએમ ફૂડ્સ, સોયામીલ અને મકાઈ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને બધા જ એફટીએમાંથી બહાર રાખ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here