લીંબડી શહેરમાં હાલમાં જ સૈયદ મોહલ્લામાં ૯૨ વર્ષીય વૃદ્ધા બાનુબેન કાજીને રખડતા ઢોરે હડફેટે લઈ ખૂંદી નાખતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, પરનાળા ગામની માત્ર ૩૦ મહિનાની બાળકીનું પણ ગાયની અડફેટે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાઈકોર્ટના કડક નિર્દેશો છતાં સ્થાનિક તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે નિર્દોેષ લોકો ભોગ બની રહ્યા છે.

શહેરમાં બનેલી આ ઘટનાઓ બાદ કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસોે થયો છે. લીંબડી નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટે કોઈ નિશ્ચિત સિસ્ટમ, ટીમ કે સાધનો ઉપલબ્ધ નથી. ચીફ ઓફિસર સાગર રાડિયાએ પોતે સ્વીકાર્યું છે કે પાલિકા પાસે હાલમાં ઢોર પકડવા માટે કોઈ બજેટ કે વ્યવસ્થા નથી. જોકે, વધતા જતા આક્રોશને જોતા તેમણે હૈયાધારણા આપી છે કે આગામી દિવસોમાં સ્પેશિયલ ટીમની રચના કરી સાધનો વસાવામાં આવશે અને રખડતા પશુઓને પાંજરે પૂરવાની કામગીરી શરૃ કરાશે.લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ લગધીરસિંહ રાણાએ ભાજપ શાસિત નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે પાલિકામાં ભાજપના ૨૭ કોર્પોેરેટરો હોવા છતાં તેમને જનતાની પીડા અને રખડતા ઢોર દેખાતા નથી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

