અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામને કાયમ માટે રદ કરી દેવાની ચર્ચા ચાલી રહી છે, અમેરિકાના સાંસદ દ્વારા આ H-1B વિઝા રદ કરવા માટે એક બિલ રજુ કરવામાં આવ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીના ફ્લોરિડાના સાંસદ ગ્રેગ સ્ટેબે દ્વારા આ વિઝા પ્રોગ્રામ રદ કરવાની માગણી કરવામાં આવી છે. આ H-1B વિઝા ભારતીયો સહિતના વિદેશી નાગરિકો માટે બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શા માટે બિલ લવાયું?
અમેરિકાના આ સાંસદે સંસદમાં રજુ કરેલા બિલને એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ટ નામ આપ્યું છે. સાથે જ તેણે દાવો કર્યો હતો કે H-1B વિઝાને કારણે વિદેશના લોકોને અમેરિકામાં તક મળે છે પરંતુ અમેરિકાના નાગરિકો આ કામથી વંચિત રહી જાય છે. એક નિવેદનમાં સાંસદ ગ્રેગે કહ્યું હતું કે અમેરિકાના નાગરિકોના સ્થાને વિદેશી શ્રમિકોને મહત્વ આપવું તે અમેરિકાના મૂલ્યોની વિરુદ્ધમાં છે. અમેરિકાના આ H-1B વિઝાનો ભારતીય વ્યવસાયીકો શ્રમિકોમાં બહુ ઉપયોગ થાય છે, આ વિઝા પ્રોગ્રામની મદદથી ભારતીયોને અમેરિકામાં કામ કરવાની અને કમાણી કરવાની તક મળતી આવી છે. તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસન વિદેશીઓને અમેરિકામા આવતા અટકાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે અને અમેરિકન નાગરિકોને પ્રાથમિકતા આપી રહ્યું છે એવા સમયે સત્તાધારી પક્ષના જ સાંસદ દ્વારા આ વિઝા પ્રોગ્રામ ખતમ કરવા માટે બિલ રજુ કરવામાં આવ્યું છે. જો આ બિલને મંજૂરી મળી ગઇ તો H-1B વિઝા પ્રોગ્રામ આગામી વર્ષ સુધીમાં ખતમ કરવામાં આવી શકે છે. જોકે આ અંગે સત્તાવાર કોઇ જ જાહેરાત કરવામાં આવી નથી.

