અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે થવા જઈ રહેલા નવા દ્વિપક્ષીય વેપાર કરારે ભારતીય કાપડ ઉદ્યોગ(Textile Industry) માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. આ સમજૂતી હેઠળ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે બાંગ્લાદેશ અમેરિકા પાસેથી જેટલા મૂલ્યના કપાસની આયાત કરશે, તેટલા જ મૂલ્યના તૈયાર કપડાં તે ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી(શૂન્ય આયાત શુલ્ક) સાથે અમેરિકાને નિકાસ કરી શકશે. અમેરિકાના આ નિર્ણયથી ભારતીય નિકાસકારોમાં ફાળ પડી છે.

ભારત માટે કેમ છે આ પડકાર?
બાંગ્લાદેશ વિશ્વભરમાં તેના સસ્તા મજૂરો અને ઓછા ઉત્પાદન ખર્ચ માટે જાણીતું છે. હાલમાં બાંગ્લાદેશ વાર્ષિક 9થી 10 અબજ ડૉલરના કપડાં અમેરિકા મોકલે છે, પરંતુ ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટીની છૂટ મળતાં આ આંકડો રોકેટ ગતિએ વધી શકે છે. બીજી તરફ, ભારતનો કુલ ટેક્સટાઇલ નિકાસ આશરે 36-37 અબજ ડૉલર છે, જેમાંથી અમેરિકાનો હિસ્સો 10 અબજ ડૉલર જેટલો છે. જો બાંગ્લાદેશના કપડાં અમેરિકાના બજારમાં સસ્તા દરે વેચાશે, તો ભારતીય નિકાસકારો માટે તેની સામે સ્પર્ધા કરવી અત્યંત મુશ્કેલ બની જશે.
ભારતીય ઉદ્યોગ જગતની માંગ
અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવતી આ ખાસ છૂટછાટ સામે હવે ભારતના વેપારી સંગઠનોએ અવાજ ઉઠાવ્યો છે. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિજય કુમાર અગ્રવાલ અને અન્ય નિષ્ણાતોનું માનવું છે કે જો બાંગ્લાદેશને આ સુવિધા મળતી હોય, તો ભારતને પણ આવી જ છૂટ મળવી જોઈએ.
ભારતીય સંગઠનોનું કહેવું છે કે આ કરારથી અમેરિકામાં રેડીમેડ ગાર્મેન્ટ્સ, કોટન અને હોમ ટેક્સટાઇલના માર્કેટમાં ભારતનો હિસ્સો ઘટી શકે છે. નિકાસકારોએ ભારત સરકારને પત્ર લખીને માંગ કરી છે કે અમેરિકા સાથે થનારી આગામી સમજૂતીઓમાં ભારતને પણ બાંગ્લાદેશ જેવો જ દરજ્જો અને લાભ આપવામાં આવે.

