TECHNOLOGY : બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની ચર્ચા

0
11
meetarticle

ઓસ્ટ્રેલિયા ૧૬ વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ એકાઉન્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પહેલો દેશ બન્યો. લાંબી ચર્ચા-વિચારણા પછી ત્યાં આ પ્રતિબંધનો કાયદો બન્યો અને હવે તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. એ સાથે, દુનિયાના જુદા જુદા ખૂણામાં આ જ પ્રકારના પ્રતિબંધની તૈયારીઓ શરૂ થઈ છે.

એક તરફ, આખી દુનિયામાં વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સના સૌથી મોટા માર્કેટ સમાન ભારતમાં પણ કમ સે કમ ત્રણ રાજ્યોમાં બાળકોને સોશિયલ મીડિયા સામે રક્ષણ આપવા માટે, રાજ્ય સ્તરે પ્રતિબંધ મૂકવાની વિચારણા શરૂ થઈ છે. ભારતમાં ટેક કંપનીઓના હબ સમાન આંધ્ર પ્રદેશ અને કર્ણાટક જેવાં રાજ્યો ઉપરાંત ગોઆમાં પણ આ દિશામાં સક્રિય વિચાર શરૂ થયો છે. કેન્દ્ર સરકારના એક સાથી પક્ષ તેલુગુ દેશમ પાર્ટીએ તો સમગ્ર ભારતમાં આ પ્રકારના પ્રતિબંધનો સંસદમાં ખરડો લાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

બીજી તરફ, યુરોપના વિવિધ દેશો આ દિશામાં ખાસ્સા આગળ વધી ગયા છે. સ્પેનના વડા પ્રધાને હમણાં જાહેર કર્યું કે તેમની સરકાર ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં, સ્પેનમાં ૧૬ વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો ખરડો લાવી દેશે. તેમના કહેવા અનુસાર, વિવિધ સોશિયલ પ્લેટફોર્મે જ તેમના પર એકાઉન્ટ ઓપન કરતી વ્યક્તિ ૧૬ વર્ષથી મોટી વયની છે તેની ખાતરી કરવાની વ્યવસ્થા ગોઠવવી પડશે.

સ્પેનના વડા પ્રધાને કહ્યું કે ‘‘આજે આપણાં બાળકો એવી દુનિયામાં પહોંચી ગયાં છે જ્યાં તેમણે એકલા જવું કોઈ રીતે હિતાવહ નથી. સોશિયલ મીડિયાનું એડિક્શન, દુરુપયોગ, પોર્નોગ્રાફી, હિંસા વગેરેને ધ્યાનમાં લેતાં, આ બધું બાળકો માટે કોઈ રીતે ચલાવી લેવાય તેમ નથી’.

ફ્રાન્સ અને ડેન્માર્ક પણ આવો જ પ્રતિબંધ લાવવાની તૈયારીમાં છે. ખરેખર તો સમગ્ર યુરોપિયન યુનિયનમાં સામેલ બધા દેશોમાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ આવે તેવી શક્યતા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here