મહેમદાવાદ પોલીસે ઈદગાહ રોડ પર નગરપાલિકાના બોર પાસેથી એક શખ્સને ૧.૬૪૬ ગ્રામ (કિંમત રૂ.૯૭,૩૦૦)ના ગાંજાના જથ્થા સાથે દબોચી લીધો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે નાર્કોટિક્સનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના ખાત્રજ દરવાજા પાસે રહેતો એક વ્યક્તિ ઈદગાહ રોડ પર નગરપાલિકાના બોર પાસે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડતા કણજીના ઝાડ નીચેથી મળી આવેલા શખ્સની પૂછપરછ કરતા મકસુદ યુસુફભાઈ મન્સૂરી (રહે. ખાત્રજ દરવાજાની અંદર, મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના કબજામાંથી ૧.૬૪૬ ગ્રામ ગાંજો (કિંમત અંદાજીત રૂ.૯૭,૩૦૦) અને મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૦૦૦), ડિજિટલ વજન કાંટો, પ્લાસ્ટિકના પેકિંગ પેપર અને થેલીઓ મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૦૨,૪૫૦ કબજે કર્યો હતો. આ આરોપીએ નફો કમાવવાના આશયથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો લાવી છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું છે. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે મકસુદ મન્સૂરી સામે નોર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

