પોરબંદરની ડૉ. વી. આર. ગોઢાણીયા કોલેજ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ અને સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે વિશેષ જાગૃતિ સેમિનાર યોજાયો હતો.જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારનો મુખ્ય હેતુ કોલેજના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી અને સશક્તિકરણ યોજનાઓથી માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ સમાજમાં જાગૃતિ ફેલાવવામાં સક્રિય સહભાગી બની શકે. પ્રસંગે હંસાબેન ટાઢાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી અને વિભાગની યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સૈયદનાઓએ કટોકટીના સમયમાં મહિલા પોલીસ સ્ટેશન કેવી રીતે મદદરૂપ બને છે તેની સમજ આપી હતી. સાથે સાથે વધતા સાયબર ફ્રોડ અંગે સચોટ માર્ગદર્શન આપીને વિવિધ હેલ્પલાઇન વિશે માહિતગાર કર્યા હતા.આ ઉપરાંત “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW), પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC), સખી વન સ્ટોપ સેન્ટર (OSC) અને 181 અભયમ મહિલા હેલ્પલાઇનના પ્રતિનિધિઓએ પોતાની સેવાઓ અંગે માહિતી આપી હતી.
કોલેજના HOD રણમલભાઈ કારાવદરા તથા અધ્યાપકગણના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સમાજકાર્યના અંદાજે ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અને સ્ત્રી-પુરુષ સમાનતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું.કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે “બેટી બચાવો, બેટી પઢાવો” લોગોવાળી જ્યુટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન “સંકલ્પ” ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

