મોરારિબાપુ: વ્હાલું અને વ્હાલનું વટવૃક્ષ

0
11
meetarticle

પૂજ્ય મોરારિબાપુ આજે મહાવદ ચૌદસ એટલે કે શિવરાત્રીના દિવસે 81 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.’શતમ્ જીવમ્ નહીં સવા શતમ્’ તેમના કાર્યોથી સૌએ કહેવુ પડે! જીવનના સાત દાયકા સુધી રામનામના ગુંજારવને નસનસમાં ભરી દેનાર આ મહાચેતના અને પરમ વિભૂતિને કદાચ ભવિષ્યે લોકો એક ચમત્કારી મહાપુરુષ તરીકે ઓળખશે!!
પૂજ્ય મોરારિબાપુ જન્મ વિશે પોતે જ અનેક વખત કેફિયત આપીને જણાવે છે કે 25 સપ્ટેમ્બર 1946 એ મારી પાસપોર્ટમાં લખાયેલી જન્મ તારીખ છે.પરંતુ વાસ્તવમાં જન્મદિવસ એ શિવરાત્રી એટલે કે 2 માર્ચ 1946 છે. શિવરાત્રીનો તે દિવસ હતો અને તેથી બાપુએ પોતાનો જન્મદિવસ ક્યારેય અંગ્રેજી કેલેન્ડર મુજબ પ્રસ્તુત કર્યો નથી. તેથી આપણે શિવરાત્રીને જ આગળ કરીને ચાલીએ, માનીએ. તે મહાવદ ચૌદસ સવંત 2002નો દિવસ હતો શનિવાર.તો આ રીતે બાપુનો જન્મ દિવસ મહાશિવરાત્રીથી ગણતા બાપુ હવે 81 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.આ મહાચેતનાને તેમના જન્મદિવસે વારંવાર વંદન, પ્રણામ.


માત્ર 14 વર્ષની ઉંમરે રામચરિત માનસની ચોપાઈઓના ગાન સાથે બાપુએ પોતાના દાદા અને ગુરુ પૂજ્ય ત્રિભુવનદાસબાપુ પાસેથી માનસ દીક્ષા ગ્રહણ કરી તે વાત સાર્વજનિક છે. રામ ચરિત માનસના દોહા, સોરઠા અને ચોપાઈ ધીમે ધીમે પુ.મોરારિબાપુના સમગ્ર ચેતનતત્વમાં ઉતારતા ચાલ્યા અને પોતાના પૈત્રિક વતન અને જન્મસ્થાન ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા મુકામે પ્રથમ રામકથા એક વડલાની છાયામાં માત્ર બે શ્રોતાઓની સામે રજૂ કરી અને પછી આજે હવેએ પરોક્ષ રીતે કરોડો શ્રોતાઓ સુધી આ ગંગા પહોંચી ગઈ છે.
પુ.મોરારિબાપુ માટે કંઈ લખવું અથવા તેમને કોઈ વિશેષણ આપવું એ ધૃષ્ટતા કહેવાય, કારણકે તેથી સંભાવના છે કે તેમના સમગ્ર વ્યક્તિત્વને ઓછાં શબ્દોમાં મુલવીને, આલેખીને કે પછી પ્રસ્તુત કરીને કોઈ અપરાધ થઈ ગયાની અનુભૂતિ જરૂર થાય,કારણ કે જીવનના 68 વર્ષો જે ચેતનસમૃદ્ધિએ રામને સમર્પિત કર્યા હોય અને આપણે તેને શબ્દ પુષ્પમાં બાંધવાનો પ્રયાસ કરીએ તો તે શક્ય છે ખરું?


રામકથાનો રસ હવે જગતના 700 કરોડ લોકો પૈકીના હિન્દી, ગુજરાતી જાણનારા લગભગ 200 કરોડ લોકો સુધી વિસ્તર્યો છે, પહોંચ્યો છે. કદાચ જગતમાં આ પ્રકારની કોઈ કહાની પ્રવાહી રીતે અન્ય કોઈ ધર્મમાં પણ રજૂ થતી હોય અને આ ધારાઓને જીલવા માટે લાખો લોકો રોજ પીપાસુ બનીને ખોબો ધરીને ઉભા હોય તેવું સાંભળવા મળ્યું નથી! પણ પૂજ્ય બાપુની વાણીને ઝીલવા ઉત્તરથી દક્ષિણ તથા પૂર્વથી પશ્ચિમ ભારતના જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે આસ્થા ચેનલના માધ્યમથી હજારો લોકો આતુરતાથી પહેલા ટીવી અને હવે ઈન્ટરનેટમાં આંખ ઉઘાડીને બેઠાં છે.


972 મી કથા બાપુએ પોતાની પરંપરાના ઈશ્વરીય તત્વ કૃષ્ણમ્ શરણમ્ સમર્પિત કરીને 81માં વર્ષનો પ્રારંભ કર્યો છે. માનવ વસાહત ધરાવતા દુનિયાના છ ખંડો અને આકાશ, જળમાં સૌને રામકથાનું રસપાન કરાવવા માટે બાપુ માધ્યમ બની શક્યા છે એટલું જ નહીં દુર્ગમ એવા અરણ્ય પ્રદેશો અને એવરેસ્ટ જેવી બર્ફીલી હિમાલયની પહાડીઓ કે જ્યાં માનસરોવર છે ત્યાં પણ પોથીજી લઈને બાપુનાં પગલાં પડ્યાં છે. બાપુએ શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં બદલવા માટે કદી પ્રયત્ન નથી કર્યો પણ એટલું ચોક્કસ કહું કે બાપુની કથાઓ અને તેની રસલ્હાણનો એક વખત ઘૂંટડો પી જનાર કાયમના બંધાણી બની જાય છે.તેથી જ કદાચ “આઈએ હનુમંત બિરાજીએ કથા કહું રઘુરાય” આ ચોપાઈનું ગાન હનુમંત મહારાજને હંમેશા કથા મંડપમાં પધારવા માટે પૂરતું બની રહે છે. કોઈ ઘટના 972 કથામાં આજે પણ એવી નથી બની કે જે કૃપણ કે કષ્ટદાયક હોય!


ચરૈવેતી ચરૈવેતીના મંત્ર માળાના મણકાઓની જેમ જ સાથે રાખીને બાપુનું પવિત્ર, પ્રવાહી જીવન સતત દોડતું, વિસ્તરતું અને વહેતું દેખાયું છે.પણ તે ક્યારેય હાંફ્યુ હોય તેવો પ્રસંગ સામે આવ્યો નથી.પુ.બાપુ લાખો લોકોના જીવનને બદલવા કારણરુપ બન્યા છે અને તેઓ આ ગંગાનો અભિષેક સતત કરતાં રહે તે તેમના અવતરણ દિવસે મનોરથ કરી વારંવાર વંદન કરીએ છીએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here