SURENDRANAGAR : જૂનિયર ક્લાર્ક બાદ હવે સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી

0
18
meetarticle

 કહેવાય છે કે જો મનમાં અડગ વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હોય તો શારીરિક લાચારી પણ સફળતાના આડે આવતી નથી. આવું જ કંઈક કરી બતાવ્યું છે સાયલા તાલુકાના છેવાડાના નોલી ગામના રબારી પરિવારના પુત્ર ‘બિજલ લોહ’એ. બિજલે તાજેતરમાં જાહેર થયેલા સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર (એસટીઆઇ)ના પરિણામમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.બિજલની આ સફર સંઘર્ષોેથી ભરેલી રહી છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે તે માત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે એક શોર્ટ સકટની ઘટનામાં તેણે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. પિતા બકરીઓ ચરાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, છતાં બિજલે હિંમત હારી નહીં. તેણે ધોરણ ૧૨ કોમર્સમાં ૭૮.૯૩ ટકા મેળવ્યા બાદ અમદાવાદમાં બી.કોમ અને એમ.કોમ પૂર્ણ કર્યું અને હાલમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી હાલ તે બોટાદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી રહ્યો છે.

પોતાની સફળતાનો શ્રેય આપતા બિજલે જણાવ્યું હતું કે, રાયસણ સ્થિત લીંબોજ ધામ અને વાળીનાથ ભગવાનની સંસ્થા દ્વારા મળેલા માર્ગદર્શન અને આશીર્વાદથી તેને સરકારી નોકરીની તૈયારીમાં ખૂબ મદદ મળી હતી. મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં તેણે હિંમત અને મહેનત છોડી નહીં, જેનું પરિણામ આજે એસ.ટી.આઈ.ની પરીક્ષામાં મળ્યું છે. બિજલની આ સિદ્ધિ આજના યુવાનો માટે એક મોટો સંદેશ છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સફળતાના શિખરો સર કરી શકાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here