TECHNOLOGY : AI સર્વિસિસ એકમેક સાથે હાથ મિલાવશે- ખરેખર !

0
13
meetarticle

હમણાં નવી દિલ્હીમાં યોજાઈ ગયેલી ઇન્ડિયા એઆઇ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬માં દુનિયાભરની સૌથી મોટી ટેક કંપનીઓના મહારથીઓએ, ભારતના વડા પ્રધાનને કેન્દ્રમાં રાખી, એકમેકનો હાથ પકડી, હાથ ઊંચા કરીને પડાવેલો ફોટોગ્રાફ જોઈને તમને ભારતના રાજકારણીઓ યાદ આવ્યા? ચૂંટણી પહેલાં જુદા જુદા પક્ષના નેતાઓ મહાગઠબંધનની વાતો કરીને આ જ રીતે હાથ પકડીને ફોટો પડાવતા હોય છે, પછી અંદરખાને ભલે એકબીજાના પગ ખેંચતા હોય!

દુનિયાભરની એઆઇ સર્વિસિસ આવી જ છે.

અલબત્ત, અત્યારે એકમેકની ગરજને કારણે એ એકબીજા સાથે હાથ મિલાવી રહી છે. ફક્ત ફોટોશૂટ માટે નહીં, વાસ્તવમાં, સર્વિસના લેવલે પણ.

ઇન્સ્ટન્ટ મેસેજિંગના મામલે આવી ભાઇબંધી નથી, વોટ્સએપના મેસેજ સિગ્નલમાં ખૂલે નહીં, પણ જીમેઇલથી મોકલેલા મેઇલ્સ યાહૂ કે આઉટલૂકમાં ખૂલી શકે. આવી જ ભાઇબંધી હવે વિવિધ એઆઇ ચેટિંગ સર્વિસમાં આવી રહી છે. અલબત્ત, અત્યારે આવું ઇન્ટિગ્રેશન ઇમેઇલ જેવું ‘કન્ટિન્યૂઅસ’ નહીં પણ ‘વન ટાઇમ માઇગ્રેશન’ છે, પણ આપણે માટે આ ઉપયોગી વાત છે.તમે વર્ષો સુધી એન્ડ્રોઇડ ફોન વાપર્યો હોય ને પછી આઇફોન ખરીદવાનું મન થાય તો પહેલો વિચાર એ આવે કે તમારા એન્ડ્રોઇડ ફોનમાંનો બધો ડેટા આઇફોનમાં કેવી રીતે લઇ જવો? એવી જ ચિંતા આઇફોનમાંથી એન્ડ્રોઇડ તરફ સ્વિચ કરતી વખતે થાય. બંને ઓપરેટિંગ સિસ્ટમ એકબીજા સાથે સહેલાઇથી ડેટાની આપલે કરવા દેતી નથી. 

આ એપલ અને ગૂગલની વાત થઈ, પણ આ જ વાતને બીજી રીતે જોઇએ તો ગૂગલ અને માઇક્રોસોફ્ટ કંપનીએ એકબીજા સાથે ખાસ્સો તાલમેલ કરી લીધો છે. માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ફોનનો અખતરો સમેટી લીધા પછી એન્ડ્રોઇડમાં જ માઇક્રોસોફ્ટની વિવિધ એપ્સ વિકસાવવાનો નિર્ણય કર્યો અને કંપની એ દિશામાં ઘણી આગળ વધી ગઈ. હવે એન્ડ્રોઇડ ફોન અને વિન્ડોઝ કમ્પ્યૂટર વચ્ચે ડેટાની ઘણી બધી રીતે સરળ આપલે થઈ શકે છે. એ જ રીતે ગૂગલ ડ્રાઇવમાં માઇક્રોસોફ્ટ ઓફિસના વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામ્સની ફાઇલ્સનું ફોર્મેટ એનું એ જાળવી રાખીને તેના પર કામ કરી શકાય છે.જુદી જુદી ઇમેઇલ સર્વિસ વચ્ચે તો વર્ષોથી જોરદાર મનમેળ છે. પરંતુ જુદી જુદી કંપનીઓ વચ્ચેની આવી દોસ્તી હજી એઆઇ કંપનીઓમાં જોવા મળતી નથી.

આ વાત એઆઇના વધતા ઉપયોગ સાથે આપણે માટે અવરોધ રૂપ બની શકે છે. અત્યાર સુધી તમે તમારા કામકાજ માટે જુદી જુદી એઆઇ સર્વિસ પર હાથ અજમાવ્યો હશે. જો તમે એઆઇના પાવર યૂઝર બની ગયા હો તો તેની વિવિધ સર્વિસમાં એકાઉન્ટ ઓપન કરીને, મેમરી ફીચર ઓન રાખીને એઆઇ ચેટબોટ સાથે વાતચીત કરતા હશો. એ કારણે જે તે એઆઇ સર્વિસમાં આપણી ખાસ્સી એવી ચેટ હિસ્ટ્રી જમા થતી જાય છે. તેમ જ જે તે એઆઇ સર્વિસ મેમરી ફંકશનને કારણે પણ આપણા વિશે ઘણું બધું જાણવા લાગે છે. જેને કારણે આપણા સવાલોના તે વધુ સારા જવાબ આપે છે.

પરંતુ અત્યારે એવું થતું હશે કે તમે ઓપનએઆઇની ચેટજીપીટી, ગૂગલની જેમિનાઇ કે એક્સ પ્લેટફોર્મની ગ્રોક કે પર્પ્લેક્સિટી જેવી અલગ અલગ એઆઇ સર્વિસનો વેરવિખેર ઉપયોગ કરતા હશો.

સમય સાથે તમને આ બધામાંથી કોઈ એક સર્વિસ તમારા ઉપયોગ માટે વધુ ઉપયોગી અને વધુ ‘સમજદાર’ હોય તેવું લાગે. આ કારણે તમે એ જ સર્વિસનો વધુ ને વધુ ઉપયોગ કરવાનું શરૂ કરો. તમે આ સ્ટેજે પહોંચી ગયા હો તો ચોક્કસપણે એવો વિચાર આવતો હશે કે આપણે અત્યાર સુધી જે કોઈ અન્ય એઆઇ સર્વિસ સાથે વાતચીત કરી છે તે બધો ડેટા હવે આપણી ફેવરિટ બનેલી નવી એઆઇ સર્વિસમાં ઇમ્પોર્ટ કરી શકાય તો સારું.

અત્યાર સુધી આ શક્ય નહોતું. હવે ગૂગલ જેમિનાઇ અત્યાર સુધી અસંભવ રહેલી આ વાત સંભવ બનાવવાની તૈયારીમાં છે. શરૂઆતમાં ચેટજીપીટીએ જબરું જોર લગાવ્યું હતું અને એક તબક્કે ગૂગલ એઆઇ રેસમાં ગૂંચવાઈ ગઈ હોય તેવું લાગતું હતું. પરંતુ હવે ગૂગલ જેમિનાઇ લગભગ બધાં જ પેરામીટર્સમાં અન્ય એઆઇ કંપનીઓથી ઘણી આગળ નીકળી ગઈ છે. એ કારણે તમે પણ અન્ય એઆઇ સર્વિસને બદલે ગૂગલ જેમિનાઇનો જ વધુ ને વધુ ઉપયોગ કરવા લાગ્યા હો એવું બને.

આ સ્થિતિમાં ટૂંક સમયમાં તમે ચેટજીપીટી જેવી અન્ય ચેટબોટ સાથેની તમારી બધી ચેટની હિસ્ટ્રી ડાઉનલોડ કરીને તેને ગૂગલ જેમિનાઇમાં ઇમ્પોર્ટ કરી શકશો.

થોડા સમયમાં, અત્યારે જેમ ગૂગલ જેમિનાઇમાં ડેટા ઇમ્પોર્ટ કરવાની સગવડ ઉમેરાઈ રહી છે, બરાબર એ જ રીતે સ્પર્ધામાં ટકી રહેવા માટે ચેટજીપીટી જેવી અન્ય સર્વિસ પણ ગૂગલ જેમિનાઇ કે અન્ય એઆઇ સર્વિસમાંના ડેટાને પોતાના એકાઉન્ટમાં ઇમ્પોર્ટ કરવાની સગવડ આપવા લાગશે એ નક્કી છે!

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here