મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ તણાવ અને ઈરાન દ્વારા અપાયેલી “ઈતિહાસના સૌથી વિનાશક હુમલા”ની ધમકી બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક શબ્દોમાં વળતો જવાબ આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તેઓ હુમલો કરશે, તો અમેરિકા એવી તાકાતથી જવાબ આપશે જે વિશ્વએ પહેલા ક્યારેય જોઈ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો પ્રહાર
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની વરણી અને ઈરાની સેના દ્વારા અમેરિકાના સૈન્ય બેઝ પર હુમલાની ધમકી બાદ પ્રમુખ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, “ઈરાને કહ્યું છે કે તેઓ આજે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે. પણ તેઓ આવું ન કરે તે જ તેમના માટે સારું છે, કારણ કે જો તેઓ હુમલો કરશે, તો અમે તેમના પર અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવી પ્રચંડ તાકાતથી વળતો પ્રહાર કરીશું”.
મોજતબા ખામેનેઈ બન્યા છે નવા સુપ્રીમ લીડર
આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. સત્તા સંભાળતાની સાથે જ તેમણે ઈઝરાયલ અને અમેરિકા સામે ‘ઈતિહાસના સૌથી વિનાશક ઓપરેશન’ની જાહેરાત કરી હતી, જેના જવાબમાં હવે ટ્રમ્પે સીધી ચેતવણી આપી છે.

