ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરગાસણ ખાતે ટીપી-૨૯, એફ.પી. નંબર ૪૩૩ના પ્લોટમાં લાંબા સમયથી અવરોધરૃપ બનેલા ધામક દબાણને ગત મધ્યરાત્રિએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરવામાં આવ્યું છે. આ કામગીરીને પગલે હવે ૬૫ લાખ લિટરની ક્ષમતા ધરાવતા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું નિર્માણ કાર્ય શરૃ કરવામાં આવશે.

ગાંધીનગરમાં સરકારી જમીન ઉપર કરોડો રૃપિયાના દબાણો ઊભા થઈ ગયા છે ત્યારે આ સ્થિતિ નવા વિસ્તારમાં પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મહાનગરપાલિકાના ખુલ્લા રહેલા પ્લોટમાં કાચા પાકા દબાણોની સાથે ધામક દબાણ પણ ઊભા થઈ જતા હોય છે. કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ સરગાસણના ટીપી ૨૯માં રિઝર્વ રાખવામાં આવેલા ૧૯૫૦ ચોરસ મીટરના આ પ્લોટના ૨૫ ટકા વિસ્તારમાં ધામક દબાણ આવેલું હતું. આ પ્લોટ પર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ દબાણને કારણે કામગીરી અટકી પડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ અનેકવાર દબાણકર્તાઓને સમજાવવામાં આવ્યા હતા અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં પરિણામ ન મળતા અંતે ગઈકાલે મધ્યરાત્રિએ પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન હાથ ધરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સરગાસણ અને તેની આસપાસના વિસ્તારના અંદાજે ૮૦ હજારથી વધુ નાગરિકોને નર્મદાનું શુદ્ધ અને ફિલ્ટર કરેલું પાણી મળી રહેશે. આ કામગીરી બાદ હવે આગામી દિવસોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના બાંધકામની પ્રક્રિયા ઝડપથી શરૃ કરવામાં આવશે. જેથી સ્થાનિક રહીશોની વર્ષો જૂની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. તો કોર્પોરેશન દ્વારા આગામી દિવસમાં નવા અને જૂના વિસ્તારોમાં સરકારી જગ્યા ઉપર ઉભા થયેલા દબાણ હટાવવાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે.

