છુટાછેડા લીધેલી મહિલાને લગ્નની લાલચ આપી, તેની સાથે શરીરસંબંધ બાંધી, લગ્નનો ઇન્કાર કરી, તેના ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપવા અંગે શ્યામ અમીત માકડીયા સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે ૨૦૨૦માં લવ મેરેજ કર્યા હતા. ૨૦૨૪માં છુટાછેડા લઇ લીધા હતા. બે મહિનાં પહેલા સોશિયલ મીડિયા મારફત આરોપી સાથે પરિચય થયો હતો. ત્યારબાદ તેની સાથે વાત-ચીત થતી હતી. ગત ડિસેમ્બર માસમાં આરોપીએ મળવા બોલાવતા રાજકોટ આવી હતી. ત્રિકોણ બાગથી આરોપી કારમાં બેસાડી નાસ્તો કરાવી પછી કાલાવડ રોડ પરની હોટલમાં લઇ ગયો હતો. જ્યાં થોડા દિવસ બાદ લગ્ન કરશું તેમ કહીં બે વાર શરીરસંબંધ બાંધ્યો હતો. તે પહેલા આરોપીએ બંનેના ન્યુડ ફોટા પણ પાડયા હતા. હોટલમાં રાત ગુજાર્યા બાદ બીજા દિવસે તે જતી રહી હતી.
ત્યાર પછી લગ્નની વાત-ચીત કરવા માટે ફરીથી રાજકોટ આવી હતી. રેસકોર્સ ખાતે લઇ જઇ આરોપીએ નાસ્તો કરાવ્યો હતો. જ્યાં કિસ પણ કરી હતી. અચાનક આરોપીએ કહ્યું કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. કારણ પૂછતા કહ્યું કે મારી પાસે તારા જેવી ચાર-પાંચ છે, મારે તારો ઉપયોગ કરવો હતો, જે મે કરી લીધો છે. આ સ્થિતિમાં તેણે તેના મોબાઇલમાં રહેલા તેના ન્યુડ ફોટા ડિલિટ કરવાનું કહેતા ના પાડી કહ્યું કે કોઇને આ બાબતે વાત કરીશ તો તારા બધા ન્યુડ ફોટા વાયરલ કરી નાખીશ. આ પછી આરોપીએ તેની સાથે વાત-ચીત બંધ કરી દીધી હતી. પરિવારજનોને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.

