SURAT : ડીંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, મોબાઈલ ચેક કરતા સામે આવ્યું કારણ

0
12
meetarticle

દક્ષિણ ગુજરાતના સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી એક ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. સણીયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કોલેજિયન યુવતીઓના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે. આ કેસમાં હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને પ્રેમ સંબંધોના એવા પાસાઓ સામે આવ્યા છે કે ટેસ્લાના CEO ઈલોન મસ્કે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

પ્રેમમાં બ્રેકઅપ બન્યું મોતનું કારણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક 18 વર્ષીય રોશની શરદ શીરસાઠ અને 20 વર્ષીય જોસના ચૌધરી બંને ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોલીસને તપાસ દરમિયાન યુવતીઓના મોબાઈલ ફોનમાંથી આત્મહત્યા પાછળના ડિજિટલ પુરાવા મળ્યા છે. તપાસ મુજબ, બંને યુવતીઓ પોતપોતાના પ્રેમી સાથે પ્રેમ સંબંધમાં હતી, પરંતુ માત્ર 15 દિવસના અંતરે જ બંનેનું બ્રેકઅપ થયું હતું. આ આઘાત સહન ન કરી શકતા બંનેએ જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો.

આત્મહત્યા માટે ChatGPTનો સહારો લીધો!

આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે યુવતીઓએ આત્મહત્યા કરવા માટે અત્યાધુનિક AI ટૂલ ‘ChatGPT’ નો ઉપયોગ કર્યો હતો. તેમણે એનેસ્થેસિયાના ઓવરડોઝ દ્વારા કેવી રીતે મૃત્યુ થઇ શકે અને કઈ દવા કેટલી માત્રામાં લેવી તેની માહિતી મેળવી હતી. આ માહિતીના આધારે તેમણે ઈન્જેક્શનો લઈને આપઘાત કર્યો હતો.

એલોન મસ્કની પ્રતિક્રિયા: ‘Yikes’

જ્યારે આ ઘટનાની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર ફેલાઈ, ત્યારે તેના માલિક અને ટેક જાયન્ટ ઈલોન મસ્કે પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આત્મહત્યા માટે AI ના ઉપયોગ અંગેના સમાચાર પર મસ્કે માત્ર એક શબ્દમાં પ્રતિક્રિયા આપી- ‘Yikes’. જેનો અર્થ થાય છે ‘ખૂબ જ ભયાનક’ અથવા ‘આઘાતજનક’. AI ના દુરુપયોગ અંગે મસ્ક અવારનવાર ચેતવણી આપતા રહ્યા છે, અને સુરતની આ ઘટનાએ તેમની ચિંતાને સાચી ઠેરવી છે.

શું હતી સમગ્ર ઘટના?

બંને વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા ઘરેથી નીકળી હતી, પરંતુ સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. અંતે મંદિર પરિસરના બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મળી આવી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એનેસ્થેસિયાના ઈન્જેક્શનો અને અન્ય દવાઓ મળી આવી છે. હાલમાં ડીંડોલી પોલીસ આ કેસમાં ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને મોબાઈલ ડેટાના આધારે વધુ તપાસ કરી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here