ગાંધીનગર શહેર નજીક અડાલજ કલોલ હાઇવે ઉપર શેરથા પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૃ ભરેલી કારને ઝડપી લીધી હતી અને તેમાં સવાર બે શખ્સોને પકડી કુલ ૧.૪૬ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે શેરથા ટોલટેક્ષ પાસે ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં દેશી દારૃ ભરીને પસાર થવાની છે. બાતમીના આધારે પોલીસે ટોલટેક્ષ પર બેરીકેટીંગ કરી વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ કાર આવતા તેને રોકવાનો ઈશારો કરવા છતાં ચાલકે ગાડી ઉભી રાખી નહોતી અને પ્લાસ્ટિકના બેરીકેટને અડફેટે લઈ ગાડી ભગાવી મૂકી હતી. પોલીસની ટીમે તુરંત જ સાયરન વગાડી આ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પીછો કરવા દરમિયાન અલ્ટો કારના ચાલકે કાબુ ગુમાવતા ગાડી તારાપુર બ્રીજ નીચે સવસ રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે તુરંત જ ગાડીને ઘેરી લઈ તેમાં સવાર બે શખ્સોને ઝડપી પાડયા હતા. શખ્સોની પૂછપરછ કરતા ચાલકે પોતાનું નામ દીનેશ કાલીચરણભાઈ કુસવા રહે. કુબેરનગર, અમદાવાદ અને સાથે બેસેલા ઇસમનું નામ સુનિલસિંગ ધરમસિંગ રાજપુત રહે. કુબેરનગર, અમદાવાદ હોવાનું જણાવ્યું હતું. ગાડીની તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકની ૮ મોટી કોથળીઓ મળી આવી હતી, જેમાં કુલ ૧૩૬ નાની કોથળીઓમાં ભરેલો ૨૦૪ લીટર દેશી દારૃ મળી આવ્યો હતો.
પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૃ મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા કુંદન ઠાકોર પાસેથી લાવ્યા હતા અને અમદાવાદના કોટડા વિસ્તારમાં વેચવાની પેરવીમાં હતા.પોલીસે દારૃ, કાર અને બે મોબાઈલ ફોન મળી ૧,૪૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

