BUSINESS : ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના

0
17
meetarticle

વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં વોલેટિલિટીને પરિણામે ઘરઆંગણે પણ જોવા મળી રહેલી મોટી વધઘટને કારણે ગોલ્ડ સામે લોન પૂરી પાડતી બેન્કો સહિતની નાણાં સંસ્થાઓની કામગીરીમાં વધારો થયો છે.

સોનાના ઊંચા ભાવ સામે મોટી લોન લઈ ગયેલા અસંખ્ય બોરોઅરોના લોન ખાતા પર ધિરાણદારોએ સતત નજર નાખવાનો વારો આવ્યો છે.

જે બોરોઅરની સોનાના મૂલ્યથી લોનની રકમ વધી રહી છે તેમને આંશિક લોન ભરપાઈ કરી દેવા અથવા વધુ સોનુ જમા કરાવી જવા ધિરાણદારો દ્વારા સૂચના આપવામાં આવી રહી હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.

વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં સોનાચાંદીના ભાવમાં ભડકો થયો હતો. ચાંદી રૂપિયા ચાર લાખની નજીક જ્યારે સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧.૭૪ લાખની ઉપર ગયા હતા.

આ ભાવે જે લોકોએ સોના સામે લોન લીધી છે તેવા બોરોઅરોનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. સોનાના ભાવ હાલમાં રૂપિયા ૧.૪૪ લાખ આસપાસ બોલાઈ રહ્યા છે.

જાન્યુઆરીના ભાવથી સોનાના ભાવમાં ૧૮ ટકા જેટલું કરેકશન આવ્યું છે. સોનાના ભાવ પર અમારી સતત નજર રહે છે અને મોટા ઘટાડાના કિસ્સામાં જે બોરોઅરોનું સોના કરતા લોનનું મૂલ્ય ઊંચુ જોવા મળે છે તેમનો તુરંત સંપર્ક કરવામાં આવે છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ સોનાચાંદીના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે.

તાજેતરના સમયમાં અનસિકયોર્ડ લોન પૂરી પાડવામાં ધિરાણદારો પર રિઝર્વ બેન્કની સખતાઈને કારણે ગોલ્ડ સામેની લોનમાં વધારો થયો છે. ગોલ્ડના ઊંચા ભાવ પણ આ વધારા માટે કારણભૂત છે.

ધિરાણદારોના પોર્ટફોલિઓમાં હાઉસિંગ લોન બાદ ગોલ્ડ લોનનો હિસ્સો સૌથી મોટો રહ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ના અંત સુધીમાં રૂપિયા ૧૬.૨૦ ટ્રિલિયનની ગોલ્ડ લોન છૂટીકરાઈ હોવાનું એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.

સામાન્ય રીતે સોનાના મૂલ્યના ૭૫ ટકા જેટલી જ લોન પૂરી પડાતી હોય છે, પરંતુ ધિરાણ વૃદ્ધિ હાંસલ કરવા ધિરાણદારો વધુ લોન પૂરી પાડવાનું પણ જોખમ લેતા હોવાનું જોવા મળે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here