SURENDRANAGAR : લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા

0
13
meetarticle

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની અંગત અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા ખુશીનો પ્રસંગ શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ અંગત અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ૨૪ કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં પુત્રવધૂએ સસરાની હત્યા કર્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં લીંબડીમાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં રહેતો ૨૭ વર્ષીય દીપકભાઈ સોલંકી લીંબડી ઉટડીના પુલ પાસે આવેલા ખોડિયાર નગરમાં રહેતા કૌટુંબિક મામા જયંતિભાઈ છગનભાઈ ચાવડાની મામાની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. જમણવાર પતાવીને દીપક ગામમાં આંટો મારવા નીકળ્યો હતો, ત્યારે અમન ચાવડા નામના શખ્સે તેને આંતરીને ગળાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.

લોહીલુહાણ હાલતમાં દીપકને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ ફાટી પડયું હતું અને હોસ્પિટલ પરિસરમાં હૃદયદ્રાવક રોકકળના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી અમન ચાવડાની અટકાયત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ અંગત અદાવત હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જે આંગણે લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં જવાનજોધ ભાણેજની અર્થી ઉઠતા મામાનો પરિવાર અને અમદાવાદથી આવેલા સગા-સંબંધીઓ શોકમાં ડૂબી ગયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here