ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા પેઈંગ ગેસ્ટ (PG) માં રહેતા યુવાનોના મોબાઈલ ફોન ચોરી કરવા તથા તેમના મોબાઈલમાંથી ઓનલાઈન લોન મેળવી છેતરપિંડી આચરવાના ગુનાનો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજ્જનપર ગામેથી આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ભરૂચ LCBની ટીમને બાતમી મળી હતી કે, ઝાડેશ્વર ચોકડી પાસે PGમાં રહી મોબાઈલ ચોરી અને ‘ફોન-પે’ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન લોન લેવાના ગુનામાં સંડોવાયેલ આરોપી બિપિન ભીમાણી હાલ મોરબીના સજ્જનપર ગામે છુપાયેલો છે. આ હકીકતના આધારે LCBની ટીમે ગઇકાલે ખાનગી વાહનમાં મોરબી ખાતે કેમ્પ કરી, સ્થાનિક બાતમીદારોની મદદથી આરોપી બિપિન પ્રાગજીભાઈ ભીમાણી (રહે. સજ્જનપર, તા. ટંકારા) ને ઝડપી પાડ્યો હતો. તેની જડતી લેતા તેની પાસેથી બિલ વગરના ચાર સ્માર્ટફોન મળી આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે, તે દહેજની ખાનગી કંપનીમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો હતો અને ઝાડેશ્વર વિસ્તારમાં અલગ-અલગ PGમાં રહેતો હતો. શેરબજારમાં તેને મોટી ખોટ આવતા તેની ભરપાઈ કરવા માટે તેણે રૂમમાં સાથે રહેતા મિત્રોના મોબાઈલ ચોરવાનું શરૂ કર્યું હતું. આરોપી અત્યાર સુધીમાં ૩ મોબાઈલ ચોર્યા હોવાની કબૂલાત કરી છે.
આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી હતી; તે PGમાં સાથે રહેતા વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવી તેમનો વિશ્વાસ જીતતો અને તેમના ફોનના પાસવર્ડ જાણી લેતો હતો. ત્યારબાદ તેમની જાણ બહાર ‘ફોન-પે’ એપ્લિકેશન દ્વારા તેમના નામે ઓનલાઈન ₹૪ લાખથી વધુની લોન મેળવી લેતો હતો. લોનની રકમ ખાતામાં જમા થતાની સાથે જ તે રકમ પોતાના શેરબજારના ટ્રેડિંગ વોલેટમાં ટ્રાન્સફર કરી નાસી જતો હતો. પોલીસે આરોપી પાસેથી ₹૩૫,૦૦૦ની કિંમતના ૦૪ સ્માર્ટફોન જપ્ત કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.

