ગીતા મંદિર પાસે ભુલાભાઇ ચાર રસ્તા પાસે એએમટીએસ બસની આગળ કોઇ કારણ વિના રિક્ષા ઉભી રાખી હતી અને ડ્રાઇવર સાથે તકરાર કરી હતી. જ્યાં ટોળું ભેગું થતા અજાણ્યા ત્રણ શખ્સોએ ડ્રાઇવરને મારમારીને બેટથી બસના કાચની તોડફોડ કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ત્રણ લોકો સામે ગુનોે નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ભુલાભાઇ ચાર રસ્તા પાસે બસની આગળ રિક્ષા ઉભી કરતા બસના ડ્રાઇવર સાથે તકરાર થઇઃ કાગડાપીઠ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
વટવામાં રહેતા અને એએમટીએસમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો એએમટીએસ બસનો રુટ વિનોબા ભાવેનગરથી ઇસ્કોન ચાર રસ્તા સુધીનો છે. ગઇકાલે રાતના સમયે તેઓ કંડકટર સાથે ઇસ્કોનથી પેસેન્જર ભરીને મણિનગર ટર્મિનલ જવા નીકળ્યા હતા.
દરમિયાન ભુલાભાઇ ચાર રસ્તાથી પસાર થતા હતા આ સમયે એક રિક્ષા ચાલકે કોઇ કારણ વગર રિક્ષા બસની આગળ ઉભી રાખી હતી. જેથી ફરિયાદી અને રિક્ષા ચાલક વચ્ચે તકરાર થઇ હતી. બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થયા હતા. જ્યાં અજાણ્યા ત્રણ શખ્સોએ ફરિયાદીને માર માર્યા બાદ બેટથી એએમટીએસ બસના આગળના તથા બારીને કાચની તોડફોડ કરી હતી. પોલીસ કંટ્રોલમાં ફોન કરતા ત્રણેય શખ્સો નાસી ગયા હતા.

